કર્ણાટક સરકાર કટોકટીમાં

કૉંગ્રેસ અને જેડીએસના 14 વિધાનસભ્યોએ રાજીનામાં આપતાં સર્જાયું સંકટ
બેંગ્લુરુ, તા.6 : કર્ણાટકમાં કુમારસ્વામીનાં નેતૃત્વવાળી જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર હવે ખરેખરા સંકટમાં મૂકાઈ ગઈ છે. મુખ્યમંત્રી કુમારસ્વામી અમેરિકામાં આરામ ફરમાવી રહ્યા છે ત્યારે પાછળથી બન્ને ગઠબંધન પક્ષોનાં કુલ મળીને 11 વિધાયકોએ એકસામટા રાજીનામા ધરી દઈને સરકારને બહુમત ગુમાવવાની આરે પહોંચાડી દીધી છે. તો રાજ્યમાં સરકાર રચવા માટે થનગનતા ભાજપનો માર્ગ વધુ આસાન બનતો નજરે પડી રહ્યો છે. 
બી.સી.પાટીલ, નારાયણ ગૌડા, શિવરામ હેબ્બર, મહેશ કુમાથલ્લી, ગોપાલૈયા, રમેશ જરકિહોલી અને પ્રતાપ ગૌડા પાટીલ સહિત કોંગ્રેસનાં કુલ આઠ અને જેડીએસનાં ત્રણ વિધાયકોએ આજે રાજીનામા આપી દીધા છે. આ તમામ ધારાસભ્યો આજે વિધાનસભા સ્પીકરને રાજીનામા આપવા પહોંચ્યા ત્યારે સ્પીકર રમેશ કુમાર હાજર ન હોવાનાં કારણે કાર્યાલયે રાજીનામા સુપરત કરીને જતા રહ્યા હતાં. સ્પીકરે આ તમામનાં રાજીનામા આવ્યા હોવાની પુષ્ટિ પણ આપી હતી. ત્યારબાદ વિધાયકો રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા દોડી ગયા હતાં.
બીજીબાજુ આશંકા મુજબ જ આફત આવી પડતાં કોંગ્રેસ નેતા અને રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી જી.પરમેશ્વર અને ડી.કે. શિવકુમારે તાબડતોબ કોંગ્રેસનાં વિધાયકોની એક તાકીદની બેઠક બોલાવી હતી. વિધાનસભા પહોંચેલા કોંગ્રેસનાં સંકટમોચક શિવકુમારે કહ્યું હતું કે, કોઈ જ ધારાસભ્ય રાજીનામા નહીં આપે. તેઓ બધાને મળવાનાં છે. તેમણે ભાજપ ઉપર કર્ણાટકની સરકાર પછાડવાનાં પ્રયાસનો આરોપ પણ લગાવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ દિનેશ ગુંડુરાવ પણ વિદેશમાં હોવાનું કહેવાય છે. 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer