રોહિત-રાહુલ સામે શ્રીલંકા પરાસ્ત

રોહિત-રાહુલ સામે શ્રીલંકા પરાસ્ત
સેમિફાઇનલ પૂર્વેની અંતિમ મૅચમાંય ભારત વિજયી : એક વર્લ્ડ કપમાં 
પાંચ સદીનો રોહિતનો વિક્રમ : રાહુલનુંય શતક : બુમરાહને ત્રણ વિકેટ
લીડઝ, તા. 6 : પોતાની અંતિમ લીગમાં શ્રીલંકા પર સાત વિકેટે ધાક જમાવતી જીત મેળવીને ટીમ ઇન્ડિયાએ સેમિફાઇનલ પૂર્વે ઓર જુસ્સો હાંસિલ કર્યો હતો. નંબર વન બોલર જસપ્રિત બુમરાહ (37 રનમાં ત્રણ?વિ.) એન્ડ કંપનીએ શ્રીલંકાને 264 સુધી સીમિત રાખ્યા બાદ એક વર્લ્ડકપમાં પાંચ સદીનો વિશ્વવિક્રમ રચનારા રોહિટમેન એવા રોહિત શર્મા (94 દડામાં 103) અને લોકેશ રાહુલ (118 દડામાં 111)ના ઝમકદાર શતકોના સહારે ભારતે 43.3 ઓવરમાં લક્ષ્ય આંબ્યું હતું.
રોહિત અને રાહુલે પહેલી વિકેટ?માટે 30.1 ઓવરમાં 189 રન જોડીને જીત નિશ્ચિત બનાવી હતી. ભારત 15 અંક સાથે સેમિફાઇનલ રમશે.
અગાઉ, ટોસ જીતીને મેદાન પર ઉતરેલા શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટે 264 રન કર્યા હતા. માત્ર 55 રનમાં ચાર વિકેટ ખોઇ બેસતાં સિંહાલી ટીમની શરૂઆતમાં ભારે નબળી રહી હતી.
શ્રીલંકાની અગ્રહરોળ ટીમ ઇંડિયાનાં બોલિંગ આક્રમણ સામે કડડભૂસ થઇ ગઇ હતી અને માત્ર 179 રને અડધો અડધ ટીમ પેવેલિયનમાં બેસી જતાં ભારે દબાણમાં મુકાઇ ગયેલી ટીમની વહારે આવીને એંજલો મેથ્યૂસે સદી કરી હતી અને ટીમને 264નાં સન્માનજનક સ્કોર સુધી પહેંચાડી હતી.
મેથ્યૂસે 10 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 113 રન કર્યા હતા. લાદીર થીરીમાનેએ સામો છેડો સાચવી સ્કોરબોર્ડને ગતિ આપવામાં મદદ કરતાં 4 ચોગ્ગા સાથે 53 રન કર્યા હતા.
સુકાની દિમુથ કરૂણાએ (10) અને કુશલ પરેરા (18)ની પ્રારંભિક જોડી એ માત્ર 40 રને વિકેટ ખોઇ દીધી હતી.
સિંહાલી ટીમ જેના પર મહાર રાખી શકે, તેવા આધારભૂત બેટધર અવિરકા ફર્નાન્ડોએ હાર્દિક પંડયાના દડામાં માત્ર 20 રને વિકેટ પાછળ ધોનીને કેચ આપી બેસતાં વિકેટ ખોઇ દીધી હતી.
ટીમ ઇંડિયા વતી સૌથી સફળ પુરવાર થતાં જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer