વિમ્બલ્ડન : જોકોવિચે બેકરના રેકર્ડની બરાબરી કરી

વિમ્બલ્ડન : જોકોવિચે બેકરના રેકર્ડની બરાબરી કરી
15 વર્ષીય કોકો ગૌફે પોલોના હેકોર્ગને હરાવીને અંતિમ 16મા પહોંચી
લંડન, તા.6: અમેરિકાની 15 વર્ષિય કોકો ગૌફે શાનદાર પ્રદર્શન યથાવત રાખતા બે મેચ પોઈન્ટનો બચાવ કરીને વિમ્બલ્ડનના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં સફળતા મેળવી છે. વિશ્વ ક્રમાંકમાં 313મા નંબરે રહેલી ગૌફે મહિલાઓના વર્ગમાં સ્લેવેનિયાની પોલોના હેર્કોગ સામે બીજા સેટમાં 2-5થી પાછળ હતી. પરંતુ શાનદાર વાપસી કરીને 3-6,7-6, 7-5થી જીત નોંધાવી હતી. હવે અંતિમ 16માં ગૌફનો સામનો પૂર્વ વિશ્વ નંબર 1 સિમોના હાલેપ સામે થશે.
હાલેપે અંતિમ 32ના અન્ય એક મુકાબલામાં વિક્ટોરિયા અજરેન્કાને સરળતાથી 6-3,6-1થી હરાવી હતી. ગૌફની શાનદાર જીતે પુરુષ વિશ્વ નંબરવન નોવાક જોકોવિચની સફળતાને પણ ફીકી પાડી દીધી હતી. જોકોવિચે 12 વખત અંતિમ 16માં પહોંચીને દિગ્ગજ બોરિસ બેકરના રેકોર્ડની બરાબરી કરી છે. સૌથી વધુ વખત પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાનો વિક્રમ રોજર ફેડરર અને જીમી કોનર્સના નામે છે. બન્ને ખેલાડી 16-16 વખત વિમ્બલ્ડનના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે. ચાર વખતના ચેમ્પિયન જોકોવિચે પોલેન્ડના હુબર્ટ હુરકાઝને 7-5, 6-7, 6-1, 6-4થી હરાવ્યો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે જોકોવિચ અને ફ્રાન્સના ઉગો હુમબર્ટ વચ્ચે મુકાબલો થશે. 
બીજી તરફ ગયા વર્ષનો ઉપવિજેતા કેવિન એન્ડરસન ઉલટફેરનો શિકાર બન્યો હતો. આર્જેન્ટિનાના ગુઅદો પેલ્લાએ સીધા સેટમાં એન્ડરસનને 6-4, 6-3,7-6થી હરાવ્યો હતો. ટૂર્નામેન્ટમાં એન્ડરસનની સફર પુરી થયા બાદ શીર્ષ 10 ક્રમાંકના ખેલાડીઓમાંથી જોકોવિચ ઉપરાંત રાફેલ નાડાલ, રોજર ફેડરર અને કેઈ નિશિકોરી જ બચ્યા છે. મહિલાઓના વર્ગમાં ગૌફ અને હાલેપ ઉપરાંત ત્રીજા ક્રમાંકની કેરોલિના પિલિસકોવા, યૂક્રેનની ઈલિના સ્વિતલોના, ચીનની શુહાઈ ચાંગ, ડાયના યાત્રમેસ્કા અને કેરોલિના મુચોવા અંતિમ 16માં પહોંચી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer