મોદી સરકારે બે વાર એક્સાઈઝ ડયૂટી ઘટાડી, 10 વાર વધારી !

પેટ્રોલમાં રૂા. 2.45, ડીઝલમાં  રૂા. 2.36 વધ્યા : મ.પ્ર. અને રાજસ્થાને સ્થાનિક વેરા પણ ઝીંકતા 4થી પાંચનો વધારો
નવી દિલ્હી, તા.6 (પીટીઆઈ) : નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈ કાલે બજેટમાં આમઆદમીને મોટા ઝટકામાં, પેટ્રોલ અને ડીઝલમાં એક રૂપિયાનો રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ ઉપરાંત એક્સાઈઝ ડયૂટીમાં વધારો ઝીંક્યા બાદ આજે આજે પેટ્રોલની કિંમતમાં લિટરે રૂા.2.4પ અને ડીઝલમાં લિટરે રૂા.2.36નો વધારો કરી દીધો હતો. દરમ્યાન,રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોએ સ્થાનિક વેરામાં વધારો કરતાં આ બે રાજ્યમાં તો પેટ્રોલિયમની કિંમતમાં લગભગ પાંચ રૂપિયા જેટલો તોતીંગ વધારો થયો છે. રાજસ્થાનમાં સ્થાનિક લેવીને લીધે જયપુરમાં પેટ્રોલના ભાવ રૂા.71.1પથી વધીને રૂા.7પ.77 થયો છે. જ્યારે મધ્ય પ્રદેશના મંત્રી જીતુ પતવારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બજેટમાં મ.પ્ર.નો હિસ્સો રૂા.2677 કરોડ જેટલો ઘટાડી નાખતાં ઈંધણમાં વધારાના વેરા નાખવાનો નિર્ણય લેવો 
પડયો છે. 
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી)એ જારી કરેલા ભાવપત્રક મુજબ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂા.2.4પ વધીને રૂા.72.96 થયા છે મુંબઈમાં 2.42 વધીને રૂા.78.પ7 થયા છે. કોલકાતામાં  રૂા.2.40નો અને ચેન્નાઈમાં રૂા.2.પ7નો વધારો થયો છે. મધ્યપ્રદેશના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ ચારથી પાંચ રૂપિયાનો વધારો થયો છે. 
મોદી સરકારે ગઈ કાલે જ બજેટમાં પેટ્રોલ અને ડીઝલના નવો રોડ સેસ અને એક્સાઈઝ ડયૂટીમાં વધારો એમ બંને મળીને લગભગ બે રૂપિયાનો વધારો કરી નાખ્યો હતો. મોદી સરકાર 2014માં સત્તામાં આવ્યા બાદથી પેટ્રોલ અને ડીઝલમાં માત્ર બે જ વાર એક્સાઈઝ ડયૂટીમાં ઘટાડો થયો છે જ્યારે દસ વાર એક્સાઈઝ ડયૂટીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer