પાંચ ટ્રિલિયનના અર્થતંત્રનું લક્ષ્ય : ટીકા કરનારાનો ઉધડો લેતા મોદી

શંકા, ભીતિ સર્જતા આવા વ્યાવસાયિક નિરાશાવાદીઓથી લોકો સાવધ રહે
નવી દિલ્હી તા. 6: ભારતીય અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલીઅન ડોલરની બનવાની સંભાવ્ય ક્ષમતા અંગે આલોચના કરનારનો ઉધડો લેતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને વ્યાવસાયિક નિરાશાવાદી ગણાવ્યા હતા. બીજી વાર પીએમ બન્યા પછી પોતાના મતવિસ્તાર વારાણસીની પ્રથમ મુલાકાતમાં તેમણે, ભારત પાંચ ટ્રિલીઅન ડોલરનું અર્થતંત્ર બને તેના મતલબ અને મહત્વની છણાવટ કરતા જણાવ્યુ હતું કે પ વર્ષમાં આપણે એ ધ્યેય સિદ્ધ કરી શકશું તેવો મને આત્મવિશ્વાસ છે પણ કેટલાક લોકો સવાલ કરે છે કે આની શી જરૂર છે અને આમ શા માટે કરાઈ રહ્યંy છે ? આવા વ્યાવસાયિક નિરાશાવાદીઓથી લોકોએ સાવધ રહેવું, તેઓ હંમેશાં શંકા અને ભીતિ સર્જી એવું વિચારતા રહે છે કે કશું સાધી શકાય તેવું નથી. દરમિયાન પક્ષના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજીની આજે આવતી 118મી જન્મજયંતિ સાથે સાંકળીને વડા પ્રધાને પક્ષના સભ્યપદની ઝુંબેશનો આજે વારાણસીથી આરંભ કરતા જણાવ્યું હતું કે તે જીવનના દરેક ક્ષેત્રના લોકોને ભગવા પક્ષ સાથે જોડશે. 
ઝુંબેશ નિમિત્તે એકત્ર સમુદાયને સંબોધતાં તેમણે 19-20 ના કેન્દ્રિય બજેટ વિશે બોલતાં આગામી વર્ષોમાં ભારતની વૃદ્ધિના માર્ગ  વિશેના પોતાના વિચારો વ્યકત કર્યા હતા. બજેટની જોગવાઈઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ હતું કે નવું ભારત આગળ ઉપર દોટ માટેના ઉંબરે આવી ઉભું છે.
વારાણસીની દિવસભરની મુલાકાત માટે આવી પહોંચ્યા બાદ એરપોર્ટ ખાતે સદગત વડા પ્રધાન લાલબહાદુર શાત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. આ તકે સ્વ. શાત્રીજીના બે પુત્રો-અનિલ શાત્રી અને સુનીલ શાત્રી ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિમાના અનાવરણ બાદ તેઓ શહેરમાં વૃક્ષ વાવેતરની ઝુંબેશ આનંદ કાનનનો આરંભ કરવા પ્રસ્થાન કરી ગયા હતા.
શ્યામાપ્રસાદ મુખરજીને જન્મજયંતિએ અંજલિ આપતાં તેમણે ટવીટ કર્યુ હતું કે રાષ્ટ્રીય એકાત્મતા માટે તેમણે આપેલા પ્રદાનને હંમેશાં યાદ કરાશે. મુખરજીને તેમણે મોટા ગજાના શિક્ષણવિદ અને તેજસ્વી રાષ્ટ્રીય ચિંતક ગણાવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer