રાજ્યમાં મેઘમહેર : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, ઓરસંગ નદીમાં ઘોડાપુર

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 6 :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24જિલ્લાના 129 તાલુકામાં મેઘમહેર થઇ છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદને કારણે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 9 ઇંચ જેટલો વરસ્યો હતો. જ્યારે જાંબુઘાડમાં પાંચ ઇંચ અને ચિખલીમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 25 તાલુકાઓમાં બે ઇંચ થી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં કુલ 129 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જો કે સાઇક્લોનિક  સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડશે.
છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઓરસંગ નદી પહેલીવાર બે કાંઠે વહેતી થઇ છે. પાણી 217 ફૂટની સપાટીએ પહોંચતા જોજવા આડબંધ વધુ એક વખત ઓવરફ્લો થયો છે. ત્યારે બોડેલીમાં સતત બીજા દિવસે પણ ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. તો છોટા ઉદેપુરમાં 3.5 ઇંચ, ક્વાંટમાં 1.5 ઇંચ, પાવી જેતપુર, સંખેડામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન છોટા ઉદેપુરમાં ભારે વરસાદના પગલે હરિપુરા-કલારમી વચ્ચે આવેલા ગોખા કોઝવે પરથી પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી  પસાર થતા દાદી અને પૌત્રી તણાયા હોવાની ઘટના સામે આવી છે. જો કે સ્થાનિકોએ પૌત્રીને બચાવી લીધી  હતી પરંતુ ધસમસતા પ્રવાહમાં વૃદ્ધા કોતરના પાણીમાં લાપતા થયા છે. તંત્ર દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 
દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદને પગલે તમામ જિલ્લાઓમાં જળબંબાકારની  સ્થિત છવાઇ હતી. ંનવસારીના ખેરગામ તાલુકામાં ભારે વરસાદ થયો છે  સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી ખેરગામમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો વલસાડના ધરમપુરમાં, તાપીના ડોલવન, વલસાડના પારડી, વલસાડ, વાપી, કપરાડા, નવસારી, ડાંગના સુબીર, તાપીના કુકરમુંડા, ભરૂચના વાગરા અને સુરતના મહુવામાં 2 ઇંચથી સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.  બાકીના 29 તાલુકાઓમાં 11 મ ાu.મી. થી 48 મી.મી. સુધી વરસાદ વરસ્યો છે. 
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદને પગલે સૂકી નદીઓમાં  ઘોડાપૂર આવ્યું છે. સૂકી પડેલી નદીઓમાં સિઝનમાં પહેલીવાર વરસાદી નીર આવ્યા છે. હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 3 ગેટ 3 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાં 25500 ક્યૂસેક પાણીની આવક થઇ છે તો સામે 11100 પાણીની જાવક નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં જાંબુઘાડામાં 6.16 ઇઁચ, મોરવા હડફ 2.52 ઇંચ, ગોધરામાં 2 ઇંચ, ઘોઘંબામાં 1.10 ઇંચ, હાલોલમાં 1 ઇંચ, શહેરા અને કાલોલમાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 
દરમિયાન અમદાવાદમાં પણ આજે દિવસ દરમિયાન વરસાદ ખાબક્યો હતો. શહેરના બોપલ, સેટેલાઇટ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદ પડયો હતો. પૂર્વ વિસ્તારના જશોદાનગર સહિતના વિસ્તારોમાં સોસાયટીઓના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકે મુશ્કેલીનોસામનો કરવો પડયો હતો.  નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer