કર્ણાટકની પરિસ્થિતિ : દિલ્હીમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક મળી

બેંગ્લુરુ, તા.6 : ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસનું એક વર્ષ જૂનું ગઠબંધન આરંભથી જ બટકણી હાલતમાં રહ્યું છે. અસંતોષ અને આંતરકલહથી ખદબદતા આ જોડાણમાં ગમે ત્યારે ભંગાણ પડવાની આશંકા લાંબા વખતથી સેવાતી હતી. જેમાં આજે સામૂહિક રાજીનામાએ અંદરથી ભભૂકતા અંગારા ઉપર ઘી રેડવાનું કામ કરી દીધું છે. 
કર્ણાટકની સરકારને પછાડીને પોતાની સરકાર રચવાનાં પ્રયાસોને ભાજપ નકારતો આવ્યો છે પણ જો અવકાશ સર્જાય તો સરકાર રચવાની તેની તૈયારી પણ છૂપી નહોતી. આજના ઘટનાક્રમો પછી હવે ભાજપ સરકાર રચવાની ખૂબ જ નજીક પહોંચી ગયો છે.
ભાજપ સત્તાથી કેટલો દૂર, કેટલો પાસે?
કર્ણાટક વિધાનસભામાં કુલ સભ્ય સંખ્યા 224 છે. બહુમત માટે કોઈપણ દળને 113 બેઠકોની આવશ્યકતા હોય છે. જેમાં ભાજપ પાસે 10પ ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 80 અને જેડીએસ પાસે 37 ધારાસભ્યો હતાં. આમ બન્ને પાસે કુલ મળીને 117 વિધાયકો હતા અને બસપા તથા અપક્ષનાં ટેકાથી સરકાર રચવામાં આવી હતી. 
ગત સપ્તાહે કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતાં તો એકને બરતરફ કરી દેવામાં આવેલા. જેને પગલે કોંગ્રેસ પાસે ફક્ત 77 બેઠક બચી હતી અને ગઠબંધનની કુલ બેઠક 114 થઈ ગઈ હતી. 14 વિધાયકોનાં રાજીનામા સો વિધાનસભા કુલ સભ્ય સંખ્યા 210 થઈ ગઈ છે. એટલે કે હવે બહુમતનો જાદુઈઆંક પણ ઘટીને 106 થઈ ગયો છે. જે ભાજપનાં સંખ્યાબળ કરતાં ફક્ત એક જ બેઠક ઓછો છે. 
ભાજપ સરકાર રચવા તૈયાર !
કર્ણાટક સરકારમાં મચેલી અંધાધૂંધી ઉપર ભાજપની સ્વાભાવિકપણે ચાંપતી નજર છે. ભાજપનાં પ્રવક્તા જી.વી.એલ. નરસિંહા રાવે કહ્યું હતું કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનને જનતાએ ખારીજ કરી દીધું છે. આ ગઠબંધન પછી પણ લોકસભા ચૂંટણીમાં ભાજપે કર્ણાટકમાં શાનદાર પ્રદર્શન કરેલું જ છે. જે જનતાનો ઝૂકાવ પણ સ્પષ્ટ કરે છે. વિધાયકો પણ જનતાનાં ગુસ્સાનો સામનો કરી રહ્યા હતાં. હવે રાજ્યમાં ફેલાયેલી અરાજકતા ઉડીને આંખે વળગી રહી છે. આ ગઠબંધન સરકારનાં જવાથી ભાજપ જ નહીં બલ્કે જનતાને પણ રાહત મળવાની છે. તો સદાનંદ ગૌડાએ કહ્યું હતું કે, હવે નિર્ણયનો સર્વોચ્ચ અધિકાર રાજ્યપાલનાં હાથમાં છે. બંધારણીય જનાદેશ પ્રમાણે જો ભાજપને સરકાર રચવાનું નિમંત્રણ મળે તો પક્ષ તેના માટે તૈયાર છે. કારણ કે ભાજપ અત્યારે વિધાનસભામાં સૌથી મોટો પક્ષ પણ છે જ.
દરમિયાન, કર્ણાટકની પરિસ્થિતિની ચર્ચા કરવા માટે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ નવી દિલ્હીમાં બેઠક યોજી હતી. બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, એ.કે. એન્ટની, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, રણદીપ સૂરજેવાલા અને આનંદ શર્મા હાજર હતા.
પક્ષના મુખ્ય પ્રવક્તા સૂરજેવાલાએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે વિધાનસભ્યોને `ખરીદીને' કર્ણાટકમાં યુતિ સરકારને તોડી પાડવાનો ભાજપ પ્રયાસ કરી રહ્યો છે. `આયા રામ, ગયા રામ' લક્ષણ માટેનો નવો શબ્દ હવે `ખઘઉઈં - મિસ્ચિવિચસ્લી અૉર્કેસ્ટ્રેટેડ ડિફેકશન્સ ઇન ઇન્ડિયા' છે એવો સૂરજેવાલાએ કટાક્ષ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer