મલાડની ભીંત પાછળ 21 કરોડનો ખર્ચ થયેલો, માત્ર દોઢ વર્ષમાં જ પડી ગઈ

મુંબઈ, તા. 6 : મલાડમાં 26 લોકોનો જીવ લેનાર મુંબઈ મહાપાલિકાના જળાશયની ભીંત 21 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી હતી. આરસીસીની આ ભીંત દોઢ વર્ષમાં પડી જતાં તેનું બાંધકામ કેટલું હલકું હશે તે પ્રાથમિક અહેવાલમાં સ્પષ્ટ થયું છે. આ પ્રકરણે પાલિકાએ કોન્ટ્રેક્ટરને કારણ દર્શક નોટિસ મોકલાવી છે અને ઊંડી તપાસ માટે સમિતિની નિમણૂક કરવામાં આવી છે. 
મલાડમાં આવેલા પાલિકાના જળાશયમાંથી પશ્ચિમ પરાંને પાણી પૂરું પાડવામાં આવે છે. આ જળાશયની સુરક્ષા માટે 2350 મીટર લાંબી આરસીસીની ભીંત ઓમકાર એન્જિનિયર ઍન્ડ કોન્ટ્રેક્ટર કંપનીએ બાંધી હતી. 15 ડિસેમ્બર 2015ના રોજ ભીંત બાંધવાના કામની શરૂઆત કરી હતી અને 15 નવેમ્બર 2017ના ભીંતનું કામકાજ પૂર્ણ થયું હતું. ભીંતના બાંધકામ માટે 21,07,83,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. કોન્ટ્રેક્ટર ઓમકારની કંપની નાળા સફાઈના કાર્યમાં દોષી ઠરતાં બે વર્ષ પહેલાં તેને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવી હોવા છતાં તેમને આ કોન્ટ્રેક્ટ શા માટે આપવામાં આવ્યો તે પ્રશ્ન ઊભો થયો છે. કોન્ટ્રેક્ટર વિરુદ્ધ સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવશે તેવું પાલિકા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે. ભીંતની સુરક્ષા બાબતે સ્થાનિકોએ કેટલાક આક્ષેપ કર્યા છે તે તપાસ સમિતિ સાંભળશે તેવું પાલિકાના અધિકારીએ કહ્યું હતું. તપાસનો આદેશ એડિશનલ કમિશનર અશ્વિની જોષીએ આપ્યો છે અને જળ એન્જિનિયરની અધ્યક્ષતા હેઠળ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વીજેટીઆઈ અને આઇઆઇટીના વિશેષજ્ઞોનો સમાવેશ છે. આ સમિતિ 15 દિવસમાં તપાસ કરીને પાલિકા કમિશનરને અહેવાલ આપશે. ભીંતની બીજી બાજુ ભેગા થઈ ગયેલા પાણીના દબાવને કારણે ભીંત પડી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમ જ ભેગા થઈ ગયેલા પાણીના વહન માટે બનાવવામાં આવેલા છીદ્રો પુરાઈ ગયાં હોવાનું જણાયું હતું. ભીંતની પહોળાઈ અત્યંત ઓછી હોવાથી પાણીના દબાવને ઝીલી શકી નહીં હોવાનું કહેવાય છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer