લોકલનું લોકેશન પ્રવાસીઓ હવે મોબાઇલ પર જોઈ શકશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મધ્ય રેલવેના પ્રવાસીઓ આવતી 15મી અૉગસ્ટથી તેઓ પ્રવાસ દરમિયાન ઇચ્છે છે કે લોકલ ક્યાં સ્ટેશને પહોંચી તેની ચોક્કસ માહિતી મોબાઇલ ઍપની મદદથી મળી શકશે.
મધ્ય રેલવેએ લોકલ ટ્રેનોમાં જીપીએસ યંત્રણા બેસાડવાની મહાત્ત્વાકાંક્ષી યોજના ઘડી છે તેના માટે બધી લોકલ ટ્રેનોમાં જીપીએસ ચીપ બેસાડવામાં આવશે, તેથી ટ્રેન ક્યાં સ્ટેશન ઉપર કે પાસે છે તેની ચોક્કસ માહિતી જાણવા મળશે.
મધ્ય રેલવેએ `કન્ટેન્ટ અૉન ડિમાન્ડ'ની સુવિધા હેઠળ પ્રવાસીઓને હોટસ્પોટ વાઇફાય ઉપર પ્રવાસ દરમિયાન તેઓના મોબાઇલ પર વિનામૂલ્યે ગીતો, સિરિયલ અને ફિલ્મો પીરસવાનું નક્કી કર્યું છે. આગામી 30મી સપ્ટેમ્બરથી પ્રવાસીઓને તેઓના મોબાઇલ ઉપર વિનામૂલ્યે મનોરંજનની સુવિધા મળશે, એમ મધ્ય રેલવેના ડિવિઝનલ મૅનેજર સુનીલકુમાર જૈને જણાવ્યું છે.
મહારાષ્ટ્ર એસટીએ આ પ્રકારે પ્રીલોડેડ ફિલ્મ, સિરિયલ અને ગીતો હોટસ્પોટ દ્વારા પ્રવાસીઓને મોબાઇલ ઉપર વિનામૂલ્યે  સગવડ આપવાની જાહેરાત કરી હતી. તેનો બધો ખર્ચ કંપનીએ જ કર્યો હતો. પરંતુ તેની જાહેરાત મારફતે સારી એવી આવક મળતી હોવાથી કંપની એસટીને નાણાં આપતી હતી. જોકે, તે યોજના બંધ પડી છે.
મધ્ય રેલવેએ હવે પછી અમુક રેલવે સ્ટેશન ઉપર કઈ ઘોષણા કે જાહેરાત કરવામાં આવી રહી છે, અમુક સ્ટેશનોનાં ઇન્ડિકેટર ઉપર કઈ સૂચના આપવામાં આવી છે તેની જાણકારી પ્રવાસીઓ મોબાઇલ ઉપર જોઈ શકે એવી વ્યવસ્થા કરી રહી છે. 
જો બધું સમુસૂતરું ઊતરે તો આવતી 30મી સપ્ટેમ્બરથી મધ્ય રેલવેના પ્રવાસીઓ મોબાઇલ ઉપર ગમેતે સ્ટેશન ઉપરનાં ઇન્ડિકેટર જોઈ શકશે અને ત્યાં કઈ જાહેરાત થાય તે પણ જાણી શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer