આયાતજકાત વધતાં સોનું મોંઘું થશે માગ ઘટશે, જ્વેલરી ઉદ્યોગમાં નિરાશા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : બજેટે દેશના સુવર્ણ, જેમ્સ-જ્વેલરી ઉદ્યોગને આંચકો આપ્યો છે. જ્યારે આ ઉદ્યોગ સરકાર સોના પરની કસ્ટમ્સ ડયૂટી 10 ટકા પરથી ઘટાડી 4 ટકા કરે એવી માગણી કરી રહ્યો છે. કેટલાક સમયથી સુસ્ત માગથી અકળાયેલ આ ઉદ્યોગ આયાત ડયૂટીમાં કાપ થકી ભાવ સપાટી નીચે ઉતરે તો જ્વેલરીમાં માગ વધે એવી ધારણા રાખી રહ્યો હતો ત્યારે કસ્ટમ્સ ડયૂટીમાં વૃદ્ધિને લઈને ભાવ ઊંચા જશે અને સોનું કહો કે પછી જ્વેલરીમાં ઉપાડ ઘટશે. પરિણામે આ ઉદ્યોગની કઠિનાઈ વધશે એવો ભય વ્યક્ત થઈ 
રહ્યો છે.
બજારના વેપારીવર્ગના જણાવ્યા મુજબ સંગઠિત રિટેલર્સ દ્વારા વેચાતું સોનું વધારે મોઘું થાય જેને કારણે ગ્રાહક અસંગઠિત જ્વેલર્સ અને સોની પાસે સોનું ખરીદવા પ્રેરાશે. આથી સંગઠિત રિટેલર્સ નિરુત્સાહી થશે ઉપરાંત ગ્રાહકો જે અન્યો પાસેથી સોનું ખરીદશે તેના પર હોલમાર્ક નહીં હોય તે જોતાં સોનાની શુદ્ધતા અંગે છેતરપિંડી થવાની શક્યતા ખરી. આમ સોનાની લોકલમાં માગ તો ઘટશે પણ જ્વેલરીની નિકાસ પર પણ અસર પડયા વિના રહેશે નહીં. દાણચોરી વધશે એ અલગ. વિદેશથી આવતા પ્રવાસીઓ, એનઆરઆઈ, વિદેશી ગ્રાહકોમાં ભારતીય આભૂષણો ખરીદવા તરફનો 
ઝોક ઘટશે.
ગોલ્ડ ડોર પરની ડયૂટી 9.35 ટકાથી વધારી 11.85 ટકા કરાઇ છે તો સિલ્વર ડોર પરની ડયૂટી 8.5 ટકાથી વધારીને 11 ટકા કરાઇ છે. આમ સોનામાં મોંઘારત વધશે તો સ્વાભાવિક જે કે તેમાં ઉપાડ ઘટશે. સોનું તમામ ભારતીય વર્ગમાં રોકાણ ઉપરાંત દરેક વહેવારમાં લેતી-દેતીમાં વપરાતી મહત્ત્વની કીમતી ધાતુ મનાય છે. એટલે જ શહેરી કરતાં પણ દેશના ગ્રામિણ વિસ્તારોનો તેમાં મોટો ઉપાડ રહેતો હોય છે. સોનાની વાર્ષિક આયાતના 70 ટકા ખરીદી ગ્રામ્ય વિસ્તારોની રહે છે. આથી વિશેષ તો તેની નકારાત્મક અસર એ રહેશે કે નાગરિકોને કાળાં નાણાંનું તેમાં રોકાણ કરવા પ્રોત્સાહન મળશે. ચીન પછી સોનામાં સૌથી વધુ માગ ભારતમાં રહે છે. જેમ જ્વેલરીની ગયા નાણાકીય વર્ષમાં નિકાસ 5.32 ટકા ઘટી છે. 30.98 અબજ ડૉલરે પહોંચી હતી. આ વર્ષે ઉત્પાદકીય ખર્ચ વધતાં સોનામાં ઉપાડ વધુ ઘટશે એ માનવું ખોટું નહીં રહે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer