ઈંધણનો ભાવવધારો મધ્યમવર્ગને અસર નહીં કરે : ગડકરી

નવી દિલ્હી, તા. 6 : એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ કેન્દ્રના બજેટ વિશે પૂછાયેલા વિવિધ પ્રશ્નોના ઉત્તર આપતાં જણાવ્યું છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની મધ્યમવર્ગને અસર નહીં થાય. હકીકતમાં તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થયો છે અને બે રૂપિયાના વધારાને તેમાં સમાવી લેવામાં આવશે. એકસાઈઝ ડયૂટી અને રોડ સેસનો વધારો હાલના દરોને યથાવત્ રાખશે. જોકે દરોમાં કોઈ ઘટાડો નહીં થાય. તે આંતરરાષ્ટ્રીય ભાવ દ્વારા કોમ્પેન્સેટ થશે અને આ નાણાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં કામ આવશે, એમ ગડકરીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે દેશને તેમાંથી ઘણી આવક થશે અને રૂપિયાને લાભ થશે આમ તેની કોઈ નકારાત્મક અસર નહીં થાય. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નાણાપ્રધાન દ્વારા બજેટમાં `હાઈએસ્ટ પ્રાયોરિટી' અપાઈ છે. અમારા મંત્રાલયનું બજેટ રૂા. 78,000 કરોડનું હતું તે હવે વધીને રૂા. 83,000 કરોડ થશે.
ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા પ્રત્યે કેન્દ્રના પ્રયાસો વિશે પુછાતાં ગડકરીએ જણાવ્યું હતું કે મેં જ્યારે બીએસવીઆઈ એમિશન નોર્મ્સ (કાયદા) લાગુ પાડયા ત્યારે અૉટોમોબાઈલ ઉદ્યોગ રાજી ન હતો પણ તેને પાછળથી ભારે સફળતા મળી હતી. તમારે તરતા શીખવું હોય તો પાણીમાં ડૂબકી મારવી અનિવાર્ય છે.
અમે જે વેગથી ઈલેક્ટ્રિક વાહનોના સંક્રમણને પૂરા કરીએ છીએ તે 100 ટકા `નોર્મલ' છે અને અૉટોમોબાઈલ ઉદ્યોગ પાસે તેમ કરવાની પૂરેપૂરી ક્ષમતા છે. તે તબક્કાવાર પ્રક્રિયા છે અને મને લાગે છે કે અમે તેમાં ચોક્કસ સફળ થઈશું.
ટ્રાન્સપોર્ટ પ્રધાન તરીકે હું કહેતો આવ્યો છું કે આપણે સસ્તી, પ્રદૂષણ મુક્ત અને દેશી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવવી જરૂરી છે. અને મને ખુશી છે કે મારી ધારણા મુજબ આ કામ આગળ વધી રહ્યું છે.
એમએસએમઈ વિશે પૂછાયેલા સવાલનો જવાબ આપતાં ગડકરીએ કહ્યું હતું કે આ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં 110 મિલીયન (11 કરોડ) રોજગાર સર્જાયા છે અને આગામી પાંચ વર્ષમાં અમે વધુ પાંચ કરોડ રોજગાર ઊભા કરીશું.
આ માટે સર્વપ્રથમ અમને ટેક્નોલોજી, રિસર્ચ અને સ્કીલ ડેવલપમેન્ટની જરૂર છે. અમે તેના માટે અંદાજે 100 કેન્દ્ર ખોલવાનાં છીએ. અમે ખાનગી ઉદ્યોગને પણ તેમાં સાથે લઈશું.
નેશનલ હાઈવે ડેવલપમેન્ટ વિશેના પ્રશ્નના ઉત્તરમાં ગડકરીએ જણાવ્યું હતું કે અમે હાઈવેના નેશનલ ગ્રીડ નેટવર્ક તરીકે લિંકિંગ માટે 22 ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ હાઈવે ઓળખી કાઢયા છે. રોડ નિર્માણની ગતિ અગાઉની સરકારની રોજની 12 કિમીથી વધી આજે રોજની 38 કિમી થઈ છે અને આ વર્ષે અમે તેને 40 કિમી સુધી લઈ જઈશું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer