અંદાજપત્રની અમુક જોગવાઈથી શૅરબજાર મંદીમાં સપડાયું

આગામી અઠવાડિયે વેચવાલી વધવાના સંકેત
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
`જન્મભૂમિ પ્રવાસી'    મુંબઈ, શનિવાર
કેન્દ્રના અંદાજપત્રના મહત્ત્વપૂર્ણ દિવસે શરૂઆતમાં ધીમા સુધારે શરૂ થયેલા શૅરબજાર નાણાપ્રધાનની અંદાજપત્રની જોગવાઈઓ સાંભળ્યા પછી પટકાયું હતું. જોકે, તટસ્થરીતે આ બજેટ લાંબાગાળાનો લાભ કરાવનાર અને વાસ્તવિક હોવાનું જણાય છે. સીતારામને બજેટમાં આવકની સમાનતા લાવવા, સુગ્રથિત વિકાસ સાથે ડિજિટલ-કૅશલેસ અર્થવ્યવસ્થાનું સ્વપ્ન જોયું છે. જેથી સ્પષ્ટ અને ઇમાનદાર વ્યવહાર વધે, પરંતુ આશ્ચર્યજનક રીતે કેટલાક નિર્ણય જોરદાર આંચકો આપનાર છે. લિસ્ટેડ કંપનીઓમાં જાહેર શૅરહિસ્સો 25થી વધારીને 35 ટકા કરવાની જોગવાઈ અર્થવ્યવસ્થામાં લોકોની ભાગીદારી વધારવાનું પગલું આવકાર્ય છે, પરંતુ બજારના અભ્યાસુઓના અનુમાન પ્રમાણે આ નિયમથી જંગી પ્રમોટર હિસ્સો મૂડી-ઇક્વિટી (કૅપિટલ) ધરાવતી કંપનીઓના શૅર મોટા પ્રમાણમાં બજારમાં ઠલવાશે. જેને લીધે અનેક લાર્ઝકેમ કંપનીઓના ભાવ ઝડપથી ઘટવાનો ભય છે.
આ સિવાય વિદેશી રોકાણ આકર્ષવા વીમા ક્ષેત્રે 100 ટકા રોકાણની છૂટ આપવાથી વૈશ્વિક વીમા ગ્રુપ દ્વારા ભારતમાં જંગી રોકાણ આવશે.
આગામી અઠવાડિયા દરમિયાન નિફ્ટીમાં ઘટાડો આગળ વધવાની શક્યતા છે. અંદાજપત્ર આવી ગયા પછી હવે નવા ટ્રીગરના અભાવે નિફ્ટીમાં 11400નું લેવલ જરૂર ટેસ્ટ થશે. જેથી ટ્રેડરોએ ઊંચી સપાટીએ વેચાણ કરવું હિતાવહ રહેશે એમ સેમકો સિક્યોરિટીઝના સીઇઓ જીમિત મોદીએ જણાવ્યું છે. આગામી અઠવાડિયાઓ દરમિયાન `મોટું પ્રમોટર' શૅરહોલ્ડિંગ ધરાવતી કદાવર કંપનીઓની બજારમાં શૅર પ્રવાહિતા વધવાથી ભાવ ઝડપથી તૂટશે. જેથી લાર્જ કેપિટલ ધરાવતા શૅર વેચી દેવા હિતાવહ રહેશે. આ સિવાય અૉટો ક્ષેત્રના શૅરોમાં તુરંત નવું રોકાણ કરવું નહીં.
અગાઉથી વાહન વેચાણ ઘટયું હોઈ હવે સરકારે વીજળી સંચાલિત વાહનોમાં આપેલ નવા પ્રોત્સાહનોથી ડીઝલ-પેટ્રોલ ઉત્પાદન કરતી કંપનીઓ માટે મધ્યમગાળા માટે માઠા દિવસોનાં એંધાણ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer