ઘઉંનું ઉત્પાદન વધ્યું પણ સરકારી ખરીદી ઘટી

નવી દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારે આ વર્ષે દેશના ખેડૂતો પાસેથી 3.413 કરોડ ટન ઘઉંની ખરીદી કરી છે. જે 3.57 કરોડ ટનના લક્ષ્ય કરતાં સહેજ ઓછી છે. કેમ કે ઉત્તર પ્રદેશમાં 2018 કરતાં ઓછી ખરીદી થઈ છે.
દેશમાં 10.12 કરોડ ટન ઘઉંનો વિક્રમ પાક ઊતર્યો છે અને ક્વિન્ટલ દીઠ રૂા. 1840ના લઘુતમ ટેકાનો ભાવ મૂકવામાં આવ્યો છતાં આમ થયું છે. પાછલા વર્ષે પ્રોક્યુરમેન્ટ 3.58 કરોડ ટનનું નોંધાયું હતું. જે 3.2 કરોડ ટનના લક્ષ્ય કરતાં 10 ટકા વધારે હતું.
આ માટે ઉત્તર પ્રદેશમાં ખરીદી ઓછી થઈ હોવાનું કારણ આગળ ધરાય છે. 50 લાખ ટનના લક્ષ્ય સામે ફક્ત 37 લાખ ટન ઘઉંની ખરીદી થઈ હતી. આ ઘટાડા પાછળનાં કારણો શોધવા પ્રયાસ થઈ રહ્યા છે. વધુમાં સરકાર દ્વારા ઓપન માર્કેટ સેલ્સ સ્કીમની જાહેરાત થઈ હતી જેના હેઠળ સરકાર એક કરોડ ટન ઘઉં વેચવા માગતી હતી. તે પછી ઘઉં ફ્લોર મિલો પાસે તથા અન્ય ખાનગી ખરીદદારો પાસે જતા રહ્યા છે. કેમ કે ઓએમએસએસ માટે સરકારના દર લઘુતમ ટેકાના કિંમતની તુલનાએ ઘણા ઊંચા ક્વિન્ટલ દીઠ રૂા. 2080 છે. ખાનગી ખરીદદારો પણ સરકારના ગોડાઉનમાંથી ઘઉંની ખરીદી કરવાના બદલે સીધા ખેડૂતો પાસેથી ખરીદ કરવાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશ ઉપરાંત એમપી, રાજસ્થાનમાં પણ ખરીદી ઘટી હતી. એમપીમાં 75 લાખ ટન સામે 67.2 લાખ ટન ઘઉંની ખરીદી થઈ હતી ત્યારે રાજસ્થાનમાં સરકાર 17 લાખ ટનના લક્ષ્ય સામે 14.1 લાખ ટન ઘઉંની ખરીદી કરી શકી હતી. જોકે, એફસીઆઈને તેની ચિંતા નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer