ખાળ કૂવો બન્યો મોતનો કૂવો પિતા-પુત્ર સહિત 7 મજૂરનાં મૃત્યુ

ખાળ કૂવો બન્યો મોતનો કૂવો પિતા-પુત્ર સહિત 7 મજૂરનાં મૃત્યુ
ડભોઇની હોટલમાં સફાઇ કરવા અંદર ઊતરેલા 7 મજૂરના ગૅસ ગળતરથી મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા.15: વડોદરા  જિલ્લાના ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવાની સફાઈ કરવા ઉતરેલા પિતા-પુત્ર સહિત 7 મજૂરોના મૃત્યુ નીપજયા હતા. ઝેરી ગેસના કારણે મોત નીપજયાં હોવાનું પ્રાથિમક તપાસમાં બહાર આવ્યું છે. વડોદરા અને ડભોઈ ફાયરબ્રિગેડે 6 કલાકની જહેમત બાદ દોરડાથી મૃતદેહ બહાર કાઢયા હતા. હોટલનો માલિક હસન અબ્બાસ હોટલ બંધ કરી ફરાર થઈ ગયો હતો. મૃતકોમાં થુવાવી ગામના પિતા અને પુત્ર સહિત ચાર અને ત્રણ હોટલના કમચારીઓનો સમાવેશ થાય છે.
જાણવા મળેલી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના ફરતીકુઈ નજીક આવેલ દર્શન હોટલમાં રાત્રીના 11 વાગ્યાના સુમારે કેટલાક મજૂરો રોજી રોટી માટે હોટલનો ખાળકુવો સાફ કરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન થુવાવીનો એક ખાળકુવામાં ઝેરી ગેસના ગુંગળામનથી બેહોશ ખાળકુવામાં પડયો હતો. તેને બચાવવા એક પછી એક 6 લોકો ખાળ કુવામાં એકબીજાને બચાવવા પડયા પણ ઝેણી ગેસ એ સાતેય મજૂરોનો ભોગ બનાવ્યા હતા. સમગ્ર બનાવની જાણ ડભોઈ ફાયર કર્મચારી અને પોલીસ કર્મચારીને જાણ થતાં એમ્બ્યુલન્સ અને ફાયર ફાયટર્સ કર્મચારી સ્થળ પર પહોંચી સાતેયને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા પણ ઝેરી ગેસને કારણે સાત મજૂરોના ખાળકુવામાં મૃત્યુ નિપજયાં હતા.
જયાં સુધી આરોપી હોટલ માલિકની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો મૃતકોના પરિવારજનોએ ઈન્કાર કર્યો હતો. જોકે સહાયની જાહેરાત થતા આરોપી સામે કડક કાર્યવાહીની ખાત્રીની આપતા પરિવારજનોએ મૃતદેહો લઈ જવા માટે તૈયાર થયા હતા. ડભોઈ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ છે.
 થુવાવી ગામના લોકોને બનાવની જાણ થતાં હોટલ ઉપર ધસી આવ્યા હતા અને હોટલ માલિક સામે રોષ ઠાલવ્યો હતો. તો બીજી બાજુ થુવાવી ગામમાં રહેતા-પિતા-પુત્ર અશોકભાઈ હરીજન અને હિતેશ હરીજન સહિત ચાર વ્યકિતના મૃત્યુ નીપજતાં ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. મોડી રાત્રે બનેલી આ ગોઝારી ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તુરત જ સ્થળ પર દોડી આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ સમગ્ર ઘટનામાં જિલ્લાતંત્રમાં તપાસ કરવાના આદેશ કર્યા છે, સાથે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ખાળકૂવાની સફાઇ કરતા 7 મજૂરો ડૂબી જતા હોટલ માલિક હસન અબ્બાસે તેઓના બચાવ માટે પ્રયાસ કરવાને બદલે  હોટલ બંધ કરીને ફરાર થઇ ગયો હતો. 
મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા. આ સાથે ડભોઇ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. 
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડભોઇ નજીક આવેલા દર્શન હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકોના અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત કરી છે. અને સાતેય મૃતક શ્રમજીવીઓના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દર્શન હોટલના સંચાલક સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના વડોદરા જિલ્લા તંત્રને આપી છે. વિજય રૂપાણી નીતિ આયોગની બેઠક માટે દિલ્હીની મુલાકાતે ગયા છે, જ્યાં તેમને દુર્ઘટનાની જાણ થતાં તેઓએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
ખાળકૂવો સાફ કરવા માટે જેટીંગ મશીનો ભાડે મળે છે, પરંતુ હોટલ માલિકે જેટીંગ મશીનના બદલે મજૂરો દ્વારા ખાળ કૂવાની કરાવતા હતા. જો કે, આ બાબતમાં મજૂરો પણ થોડી કમાણી થાય તે માટે `સેફટી'ના સાધનો વગર ખાળકૂવા, ડ્રેનેજ સાફ કરવાનું જોખમ લેતા હોય છે અને ખાળકૂવા, ડ્રેનેજ સાફ કરાવનાર જેટીંગ મશીનરીના વધુ નાણા ચૂકવવા પડે તે માટે મજૂરોને ઓછા નાણા ચૂકવીને પોતાનું કામ કરાવી લેતા હોય છે.
ખાળકૂવાની સફાઇ કરનારા મજૂરો ડોલ દ્વારા મળ બહાર કાઢે છે. અને તે મળ ટ્રેકટર દ્વારા વહન કરીને દૂર તેનો નિકાલ કરતા હોય છે. ફરતી કૂઇ પાસે આવેલી દર્શન હોટલમાં મોડી રાત્રે બનેલી ઘટનામાં મજૂરોએ ડોલથી મળ કાઢવાની શરૂઆત કરી હતી. પરંતુ મળ ડોલમાં  ન આવતા એક મજૂર પહેલાં અંદર ગયો હતો. જે ઉતર્યા બાદ દેખા ન દેતા એક પછી એક બીજા મંજૂર ઉતયાર હતા. અને મોતને ભેટયા હોવાનું જાણવા મળ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer