અરુણાચલ પ્રદેશમાં હાલ પીઆરસી લાગુ નહીં થાય

અરુણાચલ પ્રદેશમાં હાલ પીઆરસી લાગુ નહીં થાય
મુખ્ય પ્રધાન પેમા ખંડુની મુંબઈમાં જાહેરાત

મયૂર પરીખ તરફથી
મુંબઈ, તા. 15 : અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી બાદ ફરીવાર મુખ્ય પ્રધાન બનેલા પેમા ખંડુ  હાલ મુંબઈની મુલાકાતે છે. અરુણાચલ પ્રદેશમાં ચૂંટાયેલા તમામ 40 ધારાસભ્યો સાથે તેઓ ત્રણ દિવસની મુંબઈની મુલાકાતે આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, અરુણાચલ પ્રદેશમાં હાલ પીઆરસીને લાગુ નહીં કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી અગાઉ પીઆરસીના રાજ્ય સરકારે લીધેલા નિર્ણય ને કારણે અરુણાચલ પ્રદેશમાં અસ્થિરતા ઊભી થઇ હતી. લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા અને રાજ્યમાં મોટાપાયે હિંસા જોવા મળી હતી. આ સમગ્ર મામલે મુખ્ય પ્રધાન પેમા ખંડુ એ કૉંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં થયેલી હિંસા માટે માત્ર ને માત્ર કૉંગ્રેસ જ જવાબદાર છે. વિધાનસભાની ચૂંટણી તેમ જ લોકસભાની ચૂંટણીમાં લોકોએ કૉંગ્રેસ પાર્ટીને જવાબ આપી દીધો છે, પરંતુ હાલ રાજ્યની પરિસ્થિતિને જોતા પીઆરસી લાગુ નહીં કરવામાં આવે. આ સંદર્ભે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.  
ભાયંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંચાલિત રામભાઉ મ્હાળગી પ્રબોધિનીમાં  ભાજપના રામ માધવ, વિનય સહસ્ત્રબુદ્ધે તથા અન્ય નેતાઓની હાજરીમાં અરુણાચલ પ્રદેશના ધારાસભ્યો ત્રણ દિવસની લોક પ્રતિનિધિ શિબિરમાં આવ્યા છે. આ શિબિર દરમિયાન ભાજપના અન્ય રાજ્યોના ધારાસભ્યો ઉપરાંત સંગઠન સાથે જોડાયેલા લોકો અરુણાચલ પ્રદેશના ધારાસભ્યોને લીડરશિપની ટ્રાનિંગ આપશે.  મુખ્ય પ્રધાન પેમા ખંડુ એ વધુમાં કહ્યું હતું કે તેઓ પ્રત્યેક ધારાસભ્ય અહીંથી શું શીખ્યા એની નોંધ રાખવામાં આવશે અને તેમની રુચિ મુજબ અરુણાચલ પ્રદેશમાં તેમને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવશે.  પેમા ખંડુએ જાહેરાત કરી હતી કે ફિલ્મોના શાટિંગ માટે અરુણાચલ પ્રદેશમાં આમંત્રણ આપવામાં આવશે. તેઓ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકોને પણ મળવાના છે.  
આ પ્રસંગે રામ માધવે કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશની રાજનીતિમાં આવનાર દિવસોમાં મોટાપાયે ફેરફાર આવશે.  આ ફેરફાર રાજ્યને વિકાસ તરફ લઈ જશે. તેમનું કહેવું હતું કે અરુણાચલ પ્રદેશમાં અૉર્ગેનિક ખેતી અને પર્યટન માટે ઘણી તકો છે.  વિનય સહસ્ત્રબુદ્ધે એ જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં પાંચ હજાર મેગાવોટ વીજળી ઉત્પાદનની ક્ષમતા છે જેની સામે ઘણું જ ઓછું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer