દીદી નરમ પડયાં, પણ તબીબો નમવા તૈયાર નથી

દીદી નરમ પડયાં, પણ તબીબો નમવા તૈયાર નથી
તબીબોએ વાતચીતનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ હડતાળ સમેટી કામે જોડાવા બેનરજીની અપીલ : ઘાયલ તબીબોનો ખર્ચ સરકાર કરશે તેવી ખાતરી આપી
 
કોલકાતા, તા. 15 : બે તબીબ પર હિંસાથી આક્રોશ વચ્ચે દેશભરમાંથી સમર્થન બાદ વધુ આક્રમક બનેલા પશ્ચિમ બંગાળના હડતાળ પર ઊતરેલા તબીબોએ બીજીવાર કરાયેલો વાતચીતનો પ્રસ્તાવ પણ ફગાવી દીધો છે, ત્યારે ઠેર ઠેર વિરોધી દેખાવો બાદ  નરમ પડેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આખરે શનિવારે જણાવ્યું હતું કે, તબીબોની તમામ માગણીઓ તેમની સરકારે સ્વીકારી લીધી છે. જોકે, તેમ છતાં તબીબો નમવા તૈયાર નથી. મુખ્યમંત્રી તરફથી કોઇ પ્રામાણિક પહેલ કરાઇ ન હોવાથી અમે હડતાળ જારી રાખશું, તેવું તબીબોનાં સંયુકત ફોરમે જણાવ્યું હતું.
દરમ્યાન, રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ પત્ર લખીને મુખ્યમંત્રી મમતા બેનર્જીને તબીબોની સુરક્ષા માટે સત્વરે પગલાં લેવાની સલાહ આપી હતી. સતત પાંચમા દિવસે તબીબોની હડતાળથી દર્દીઓ પરેશાન થઇ ગયા છે.
કામ પર પરત ફરવાની ચેતવણી આપ્યાના બીજા દિવસે નરમ પડેલાં દીદીએ આજે તબીબોને કામ પર જોડાઇ જવા વિનંતી કરી હતી.
બંગાળમાં ઉકળાટની સ્થિતિ વચ્ચે શનિવારની સાંજે પત્રકાર પરિષદને સંબોધતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, બંગાળ સરકારે તમામ માંગ સ્વીકારી લીધી છે. બેનર્જીએ તબીબોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી હતી.
એટલું જ નહીં, પરંતુ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત તબીબની સારવારનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે તેવી ધરપત પણ મમતાએ આપી હતી.
અમે એક પણ વ્યક્તિની ધરપકડ કરી નથી તેવું કહેતાં બેનર્જીએ હડતાળ પર ઊતરેલા તબીબો સામે કોઇપણ જાતના પગલાં નહીં લેવાય તેવી ખાતરી પણ આપી હતી.
તબીબી સેવાઓ સામાન્ય, પૂર્વવત કરવા માટે બંગાળ સરકાર કટિબદ્ધ છે અને રાજ્યમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે પણ સરકાર કામ કરશે તેવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં હડતાળ પર ઊતરેલા તબીબોને ટકોર કરતાં મમતાએ કહ્યું હતું કે, મેં મારા મંત્રીઓ તેમજ અગ્રસચિવને ગઇકાલે અને આજે પણ મોકલ્યા હતા. તેમણે પાંચ કલાક સુધી રાહ જોઇ, પરંતુ તબીબો મળવા આવ્યા જ નહીં. બંધારણીય સંસ્થાનો આદર કરવો જોઇએ.
દરમ્યાન અગાઉ ગત મોડી રાત્રે મુખ્યમંત્રી તરફથી કરાયેલા વાતચીતના બીજા પ્રસ્તાવને આંદોનકારી તબીબોએ ફગાવી દેતાં ખોટા આરોપો મૂકવા બદલ મમતા માફી માગે તેવી માંગ આજે ફરી કરી હતી.
મમતા બેનર્જીએ તબીબોને ન બન્ના સ્થિત સચિવાલયમાં વાતચીત કરીને ઉકેલ લાવવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ તબીબોએ ફરિયાદ સાંભળવા આંદોલન સ્થળ એનઆરએસ મેડિકલ કોલેજમાં રૂબરૂ આવવા મુખ્યમંત્રીને જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer