મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્ર પાંચ વર્ષમાં

મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્ર પાંચ વર્ષમાં
પાણી અછતમાંથી મુક્ત થશે : ફડણવીસ
 
નવી દિલ્હી, તા. 15 : કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને નદીઓને જોડવાની યોજનાનો પ્રભાવી અમલ કરીને મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રને આગામી પાંચ વર્ષમાં પાણીની કાયમી અછતમાંથી મુક્ત કરાશે એવો વિશ્વાસ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે નવી દિલ્હીમાં વ્યક્ત કર્યો હતો. 
નીતિઆયોગની બેઠકમાં હાજરી આપવા દિલ્હી ગયેલા ફડણવીસે શ્રમશક્તિ ભવનમાં આજે કેન્દ્રના જલશક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત સાથે પણ બેઠક કરી હતી, જેમાં મહારાષ્ટ્રના જળસંપદા પ્રધાન ગિરીશ મહાજન પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં દુકાળની પરિસ્થિતિને નિવારવા નદીઓને જોડવાની યોજનાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ગોદાવરી નદીમાં વધુને વધુ પાણી લાવવાની યોજનામાં છે. કેન્દ્રના જલશક્તિ પ્રધાન શેખાવત સાથેની બેઠકમાં આ વિશે વાતચીત થઇ છે અને ટૂંક સમયમાં સરકાર સવિસ્તાર યોજના કેન્દ્ર સમક્ષ રાખશે. આગામી પાંચ વર્ષમાં મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રને પાણીની અછતથી મુક્ત કરાવવાના બનતા પ્રયાસો કરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer