આજે મહામુકાબલો : વિરાટસેના વિજયીભવ...

આજે મહામુકાબલો : વિરાટસેના વિજયીભવ...
ઓલ્ડટ્રેફર્ડમાં ભારત-પાકની ટક્કર પર દેશ આખાની નજર :રાહુલ ઓપનિંગમાં આવશે : આમિરથી સાવધ રહેવું પડશે : વરસાદનું વિઘ્ન ન સર્જાય એવી પ્રાર્થનાઓ : બપોરે 3 વાગ્યાથી મૅચ શરૂ થશે

માનચેસ્ટર, તા. 15 : વિશ્વકપ-2019ના બહુચર્ચિત અને સૌથી મોટા ગણાવાયેલા મુકાબલામાં આવતીકાલે અહીં પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. દેશ આખાની નજર ઓલ્ડટ્રેફર્ડના મેદાન પર મંડાયેલી છે અને ક્રિકેટ પ્રેમીઓ પ્રાર્થના કરી રહ્યા છે કે વરસાદનું વિઘ્ન આ મેચમાં સર્જાય નહીં. 
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે અત્યાર સુધી તમામ છ મેચમાં જીતી ચૂકી છે અને વિરાટસેના આવતીકાલે વિજયરથ આગળ ધપાવી વર્લ્ડકપમાં પાક સામે સાતમી જીતના ઈરાદે મેદાનમાં ઉતરશે. મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોની જેવા દિગ્ગજ બેટધરો અને જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વરકુમાર, યજુવેન્દ્ર ચહલ જેવા કાબેલ બોલરો ધરાવતી ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે પણ ભારતે બાબર આઝમ, ઈમામુલ હક, મોહમ્મદ આમિર જેવા ખેલાડીઓથી સાવધ રહેવું પડશે.
ટીમ ઈન્ડિયા આવતીકાલે ઈજાગ્રસ્ત શિખર ધવનના સ્થાને ઓપનિંગમાં લોકેશ રાહુલને મોકલે તેવી શક્યતા છે ત્યારે મધ્ય હરોળમાં કોને તક અપાય છે એ જોવાનું રસપ્રદ છે. એ ઉપરાંત ચાઈનામેન કુલદીપ યાદવના સ્થાને ભારત ત્રીજા ઝડપી બોલર મોહમ્મદ શમીને સમાવશે તેવી પણ શક્યતા છે.
વર્લ્ડકપની ચાર મેચ વરસાદને લીધે ધોવાઈ ગઈ છે અને આવતીકાલે પણ વરસાદની શક્યતા તો છે જ. પીચ પર કવર રાખવામાં આવ્યા હોવાથી અહીં આમિરને બોલીંગમાં મદદ મળી શકે એમ છે. જો કે, એકંદરે પાકિસ્તાન પાસે બહુ સારું બોલિંગ આક્રમણ નથી. વહાબ રિયાઝ અને હસન અલી ઠીકઠાક છે અને આમિર પણ પીચમાંથી મદદ ન મળે તો સામાન્ય બોલર બની જાય છે. 1992થી 2015 સુધીના વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને છ-છ વાર પછડાટ આપી છે. નાપાક આતંકવાદને લઈને ભારત-પાક વચ્ચે અગાઉ જ તનાવનો માહોલ છે ત્યારે મેચ દરમ્યાન કોઈ અનિચ્છિનીય બનાવ બને નહીં એ માટે આઈસીસીએ કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer