ગુજરાતની બે સહિત રાજ્યસભાની છ બેઠકોની ચૂંટણી પાંચ જુલાઇએ

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.15: કેન્દ્રિય ચૂંટણી પંચે દેશમાં ખાલી પડેલી છ રાજ્યસભાની બેઠકો માટેની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ આજે જાહેર કર્યો છે. આ છ રાજ્યસભાની બેઠકો પૈકી બે બેઠક ગુજરાતની, એક બેઠક બિહાર અને3 બેઠક ઓરિસ્સાનો સમાવેશ થાય છે. આ અંગેનુ ંજાહેરનામું તા. 18 જૂનના રેજ પ્રકાશિત કરવામાં આવશે જ્યારે નામાંકન પત્ર ભરવાની છેલ્લી તા. 25 જૂન છે જ્યારેનામાંકન પાછું ખેચવાની છેલ્લી તા. 28 જૂન છે. આ સાથે નામાંકનપત્રની  ક્રૂટીની તા. 26 જૂનના રોજ થશે અને ચૂંટણી તા. 5 જુલાઇના રોજ યોજાશે અને સાંજ સુધીમા તેના પરિણામો પણ  જાહેર કરી દેવામાં આવશે. 
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના રાજ્યસભાના સભ્ય એવા  અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા જ્યારે સ્મૃતિ ઇરાની ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પરથી ચૂંટાતા તેઓએ રાજ્યસભાની બેઠકો પરથી રાજીનામું આપી દીધુ હતું. ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો ભાજપ પાસે હાલ અત્યારના 100 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 71 બેઠકો છે આ ઉપરાંત 2 બીટીપી, 1 એનસીપી અને 1 અપક્ષ સહિત અન્ય ધારાસભ્યોનો સમાવેશ થાય છે. રાજ્યસભાના મતની ગણતરી કરે તો ભાજપને એક બેઠક માટે 60 મતની જરૂર પડે. જે મુજબ બે બેઠક માટે 120 મતની જરૂર છે. આ સંજોગોમાં ભાજપ એક બેઠક  ગુમાવે તેવી શક્યતા છે.
ભાજપ દ્વારા રાજ્યસભાની બે બેઠકો પર મહદ અંશે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને બીજી બેઠક માટે બિહારના સહપ્રભારી અને પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાને ટિકિટ આપે તેવી સંભાવના છે. જો કે  દર વખતે નવુ કરવા ટેવાયેલી ભાજપ જો ગુજરાતના નેતાઓને પ્રધાન્ય નહીં આપે તો મોદી સરકારની પહેલી ટર્મમાં વિદેશ પ્રધાનની જવાબદારી સંભાળતા એસ.જયશંકરને ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલી શકે છે.જ્યારે કોંગ્રેસ તરફથી તાજેતરમાં જ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહનો રાજ્યસભાનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમને આ બેઠક પરથી ચૂંટણી લડાવે તેવી સંભાવના રહેલી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહની આ વખતે કસોટી થવાની પૂરી શક્યતા રહેલી છે. 5 જુલાઇ પહેલા જો ભાજપને ખૂટતા ધારાસભ્યો કોંગ્રેસમાંથી ના મળે તો ભાજપ બે રાજ્યભસભાની બેઠકમાંથી એક બેઠક ગુમાવવાનો વારો આવે તેમ છે. અર્થાત્ ભાજપને રાજ્યસભાની બે બેઠકો જીતવા માટે કોંગ્રેસના ધારાસભ્યોનો ટેકો જરૂરી બનશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer