પશ્ચિમ યુપીમાં કોંગ્રેસની હારની સમીક્ષામાં મુખ્યત્વે કમજોર સંગઠન કારણભૂત

બેઠકમાં દિગ્ગજ નેતાઓ ગાયબ ! 

'22ની ચૂંટણી જીતવા મજબૂત સંગઠન બેહદ આવશ્યક : કાર્યકરોને સિંધિયાનું ટવીટ

નેતાઓ-કાર્યકરોની ઉપેક્ષા અને પક્ષપલટુઓને મહત્વ અપાયું
 
લખનૌ તા. 15: લોકસભા ચૂંટણીમાં યુપીમાં પક્ષના ભૂંડે હાલ થયેલા પરાજયની સમીક્ષા કરવા ગઈ કાલે અહીં પક્ષ મુખ્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરની ઉપસ્થિતિમાં મળેલી અને 6 કલાક ચાલેલી બેઠકમાં કોંગ્રેસના સીનિયર નેતા અને પશ્ચિમી યુપીના પ્રભારી જયોતિરાદિત્ય સિંધિયા તેમ જ નેતાઓ ચૂંટણી લડયા હતા તેઓ ય ઉપસ્થિત હતા, પરંતુ સિંધિયાએ જેઓ પાસેથી ફિડબેક મેળવવાનું હતું તેવા દિગ્ગજ નેતાઓ ગાયબ હતા, તેમાં જિતિનપ્રસાદ, ઈમરાન મસૂદ, સલમાન ખુરશીદ અને શ્રીપ્રકાશ જયસ્વાલનો સમાવેશ થાય છે. બેઠકમાં હાજર નેતાઓએ તેઓની હાર માટે કમજોર સંગઠન,  નેતાઓ-કાર્યકર્તાઓની ઉપેક્ષાની તુલનાએ પક્ષપલ્ટુ નેતાઓને અપાયેલા મહત્વને કારણભૂત ગણાવ્યા હતા.  એક વરિષ્ઠ નેતાએ તો સોઈઝાટકીને જણાવ્યું હતું કે `જીસ સેના કા સેનાપતિ કન્ફયુઝ હોતા હૈ, વહ સેના હાર હી જાતી હૈ મહારાજ. હમારે સેનાપતિ આખિર તક યહ તય નહીં કર પાયે કિ કાર્યકર્તાઓં કો લડાના હૈ યા પેરાશૂટ પ્રત્યાશિંયો કો યહીં કન્ફયુઝન પાર્ટી કી ઈસ બૂરી હાર કા કારણ બના. પાર્ટી કી મજબૂતી કે લીએ અબ પ્રયોગ બંધ કિજીએ.' તમામ રાજય પ્રભારીઓએ સમીક્ષા રીપોર્ટ કોંગ્રેસ મહાસમિતિને સોંપવાનો છે.
પશ્ચિમ યુપીના પ્રભારી જયોતિરાદિત્યના ભાગે 39 બેઠકો આવે છે,  જેમાંની એકેય બેઠક કોંગ્રેસ જીતી શકયો નથી. આ 39 પૈકી 14 બેઠકની સમીક્ષા સિંધિયા કરી ચૂકયા છે, બાકી 2પની સમીક્ષાર્થે નેતાઓ, ઉમેદવારો, જિલ્લા/શહેર અધ્યક્ષોની આ બેઠક બોલાવાઈ હતી.
કેટલાક કોંગ્રેસ નેતાઓએ, ગેરહાજર નેતાઓ બાબતે એવો દાવો કર્યો હતો કે  દિલ્હી-એનસીઆરના નજીકના ઉમેદવારોએ દિલ્હીમાં એક અન્ય બેઠકમાં ભાગ લેવાનો હોઈ આવી શકયા ન હતા.  જો કે બેઠકમાં ભાગ લેનાર 28 ઉમેદવારોમાંથી એક ટકોર કરી હતી કે  ગેરહાજર રહેનાર મોટા નેતાઓ સાથે પક્ષ અલગ વ્યવહાર શા માટે કરે છે ? લખનૌથી દિલ્હી દૂર નથી અમે ય દિલ્હી જઈ શકીએ છીએ.
અધિકતર ઉમેદવારોએ હારનું કારણ જણાવતાં કહ્યુ હતું કે તેમને ત્યાં પક્ષનું સંગઠન હતું જ નહી, જયાં સંગઠન હતું ત્યાં મદદ નહોતી કરવામાં આવી. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બેઠકમાં સામેલ નેતાઓએ યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરને જણાવ્યુ હતું કે સંગઠન ન હોવાના કારણે રાજયમાં પક્ષ પ્રતિ માહોલ ન બની શકયું. કેટલાક નેતાઓએ જણાવ્યું કે પક્ષના વફાદાર કાર્યકરોને બદલે પક્ષપલટુ નેતાઓને મહત્વ અપાયું તેથી કાર્યકરો એવા નેતાઓ પાછળ એકઝુટ થવામાં ખચકાટ અનુભવતા.
જો કે બેઠક બાદ સિંધિયાએ ટવીટ કર્યુ હતું કે કાર્યકરોની વાત સાથે હું પૂરો સહમત છું કે યુપીમાં '22ની વિધાનસભા ચૂંટણી જીતવા સંગઠનને મજબૂત કરવું બેહદ આવશ્યક છે.
દરમિયાન પક્ષના પૂર્વ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી આ સપ્તાહે રાયબરેલીમાં પક્ષપ્રદર્શનની સમીક્ષા કરી રહ્યા હતા ત્યારે મોટા ભાગનાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમને સીએમ ચહેરા બનવા અપીલ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer