ગુજરાતમાં રાયડાની ટેકાના ભાવે ખરીદી 30 જૂન સુધી લંબાવાશે રૂપાણી

કેન્દ્રીય કૃષિપ્રધાન સાથેની બેઠકમાં લેવાયો કિસાન હિતકારી નિર્ણય 

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.15: મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રિય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને રાજ્યના ખેડૂતોના હિતકારી વિષયો છંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. તેમણે કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા હાથ ધરી હતી.  આ બેઠકમાં એવું નિર્ધારિત કરવામાં આવ્યુ હતુ કે, રાજ્યમાં રાયડાની ટેકાના ભાવે ખરીદીની યોજના 30 જૂન, 2019 સુધી લંબાવવામાં આવશે. 
મુખ્યપ્રધાનના નેતૃત્વમાં અને કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અને મુખ્ય સચિવ ડો.જે.એન,સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ કેન્દ્રિય કૃષપ્રધાન નરેન્દ્રસિંહ તોમરને મળ્યુ હતુ. વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના કિસાનોની પાક લોન એડવાન્સ પરના વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ  સબવેન્શન લાભ આપવાના પેન્ડીંગ ક્લેઇમ્સ અંગે પમ કેન્દ્રીય કૃષિપ્રધાન સાથે ચર્ચાઓ કરી હતી.
કેન્દ્રિય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે મુખ્યપ્રધાનને ખાતરી આપતા જણાવ્યું હતું કે, રાજ્યની કૃષિ ક્ષેત્ર સંબંધિત બધી જ પડતર બાબતોનો ઉકેલ લાવવા કેન્દ્રિય કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને યોગ્ય દિસાનિર્દેશો આપી દેવાશે. ભારત સરકારે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોને વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શનની ચૂકવણી ત્વરાએ કરીને ખેડૂતોને આ કારણોસર કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો પણ નિર્ણય કર્યો છે. ખેત ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક સુધારણા માટે તેમજ કૃષિ કલ્યાણને વધુ સુદઢ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને સંયુક્તપણે પગલા લેશે.
આ બેઠક બાદ મુખ્યપ્રધાને નવનિયુક્ત કેન્દ્રિય રાજ્યપ્રધાન પુરૂસોત્તમ રૂપાલાની પણ તેમના કાર્યલયમાં જઇને સૌજન્ય મુલાકાત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer