આજે મહારાષ્ટ્રના પ્રધાનમંડળનું વિસ્તરણ

11 વાગ્યે શપથ સમારોહ 
 
મુંબઈ, તા. 15 (પીટીઆઇ) : આવતી કાલે રવિવારે મહારાષ્ટ્રના પ્રધાનમંડળનું વિસ્તરણ કરાશે અને આજે મોડી રાત્રે કોને પ્રધાન બનાવવા એ માટેની મહત્ત્વની બેઠક થશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું.
રાજ ભવનનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષાંતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાંનું વિધાનસભાનું આખરી અધિવેશન સોમવારથી શરૂ થવાનું છે એ પહેલાં રવિવારે સવારે અગિયાર વાગ્યે રાજ્યના પ્રધાનમંડળના વિસ્તરણ અંતર્ગત નવા પ્રધાનોનો શપથ સમારોહ યોજાશે. ફડણવીસે દિલ્હીમાં જણાવ્યું હતું કે પ્રધાનમંડળના વિસ્તરણ માટે એક બેઠક થઇ ચૂકી છે અને આજે રાત્રે આખરી બેઠક થશે. જોકે, છેલ્લા થોડા દિવસોથી ફડણવીસ અને રાજ્યના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવાર પ્રધાનમંડળના વિસ્તરણના સંકેતો આપી રહ્યા છે.
શનિવારે દિલ્હી જતા પહેલાં શુક્રવારે રાત્રે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે પ્રધાનમંડળના નવા ચહેરાઓ સંબંધે ચર્ચા-વિચારણા કરી હતી, એમ ફડણવીસે ટ્વીટરના માધ્યમથી જણાવ્યું હતું. દરમિયાન રિપબ્લિકન પાર્ટી અૉફ ઇન્ડિયા, આઠવલે જૂથ (આરપીઆઇ-એ)એ આજે જાહેર કર્યું હતું કે તેમના નેતા અવિનાશ મહાટેકર રવિવારે મહારાષ્ટ્રના નવા પ્રધાનમંડળમાં સામેલ થશે.
હાલમાં મુખ્ય પ્રધાન સહિત મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં 37 પ્રધાનો છે અને વિસ્તરણમાં વધુ પાંચને સમાવી શકાય એમ છે. 
વર્ષ 2018માં મહારાષ્ટ્રના કૃષિપ્રધાન પાંડુરંગ ફુંડકરનું નિધન થયા બાદ તેમનો વિભાગ હાલમાં મહેસૂલપ્રધાન ચંદ્રકાંત પાટીલ સંભાળે છે. રાજ્યના આરોગ્યપ્રધાન દીપક સાવંતે રાજીનામું આપ્યા બાદ તેમના વિભાગની જવાબદારી હાલમાં જાહેર બાંધકામ વિભાગના પ્રધાન એકનાથ શિંદેના શિરે છે. પુણે બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતેલા રાજ્યના સંસદીય કાર્યપ્રધાન અને અન્ન અને પુરવઠાપ્રધાન ગિરિશ બાપટે પણ રાજીનામું આપ્યું છે, તેમના વિભાગોની જવાબદારી હાલમાં શિક્ષણપ્રધાન વિનોદ તાવડે અને પર્યટનપ્રધાન જયકુમાર રાવલ સંભાળે છે.
હાલમાં મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં ભાજપના 16 કૅબિનેટ અને સાત રાજ્યકક્ષાના પ્રધાનો છે, જ્યારે સત્તામાં ભાગીદાર શિવસેનાના પાંચ કૅબિનેટ અને એક રાજ્યકક્ષાના પ્રધાનો છે. સરકારની સહયોગી નાની પાર્ટીઓના એક કૅબિનેટ અને એક રાજ્યકક્ષાના પ્રધાન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer