વિદેશી નાગરિકો પાસેથી નાણાં પડાવતું કોલ સેન્ટર ઝડપાયું, બેની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 15 : લોન રિકવર કરવાના બહાને વિદેશી નાગરિકો પાસેથી નાણાં પડાવતા બે ભેજાબાજોને શહેર પોલીસે ઝડપી પાડ્યા છે. આંતરરાષ્ટ્રીય કૌંભાડનો પર્દાફાશ કરનાર પી.સી.બી.એ ભેજાબાજોના ઘરમાંથી રૂપિયા 5.72 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે. જ્યારે દિલ્હીના શખસને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. 
પી.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. આર.સી.કાનમીયાએ જણાવ્યું હતું કે, જામ્બુવા જકાતનાકા પાસે આવેલી વ્રજધામ સોસાયટીના એ-573 નંબરના મકાનમાં રહેતો વિનીત પ્રદિપભાઇ રાવત અને એ-56માં રહેતા તેના મિત્ર શૈલેષ ગાવિંદપ્રસાદ યાદવે દંતેશ્વર પાસે દર્શનમ પ્લાઝાના પાંચમા માળે ફ્લેટ નંબર-502માં મકાન ભાડે રાખ્યું હતું. જે મકાનમાં તેઓ ઇન્ડિયન ક્વિકર નામની વેબસાઇટ દ્વારા યુ.એસ.ના વ્યક્તિઓના નંબર મેળવતા હતા. અને જે લોકોએ પેડલોન નામની 100થી 200 ડોલર સુધી ખર્ચી લોન લીધી હોય તેવા લોકોનો ફોન ઉપર સંપર્ક કરતા હતા. 
ધોરણ-12 સુધી ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરનાર શૈલેષ યાદવ બેંક લોનની ફ્રોડ સ્પિચમાં ખર્ચી લોન લેનાર સાથે વાત કરતો હતો. અને તેઓને વિશ્વાસમાં લઇને જણાવતા હતો કે, જો તમે લોન નહીં ભરો તો તમારા મેનેજરને વાત કરીને નોકરી છોડાવી દેવાની ધમકી આપતા હતા. અને એમ જણાવતા હતા કે, જો તમારે લોન ભરવી હોય તો ગૂગલ પ્લે કાર્ડ લઇ તે કાર્ડની પાછળના નંબરો સ્કેચ કરાવી તે નંબરો મેળવતા હતા. અને તે નંબરો દિલ્હીમાં રહેતા તેમના મર્ચન્ટ જોર્ડન નામના સાગરીતને આપતા હતા. મર્ચન્ટ જોર્ડન નંબર આવ્યા બાદ રોકડમાં અથવા આંગડીયા પેઢી દ્વારા લોન લેનાર પાસેથી મંગાવી યુ.એસ.ના ખર્ચી લોન લેનારાઓ સાથે છેતરાપિંડી કરતા હતા. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભેજાબાજ વિનીત રાવત અને શૈલેષ યાદવ મોડી રાત્રે જ આ રેકેટ ચલાવતા હતા. આ રેકેટ અંગેની જાણ સ્ટાફના પી.એસ.આઇ. એ.ડી.મહંત, કે.એચ.પુવારને થતાં તેઓએ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હરીભાઇ તથા અન્ય સ્ટાફની મદદ લઇ દર્શનમ પ્લાઝામાં દરોડો પાડ્યો હતો. અને બંને ભેજાબાજોને ઝડપી પાડ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer