કડોદરા-નિયોલ નજીક યાર્ન ફેકટરીમાં ભીષણ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 15 : તક્ષશિલા આર્કેડના અગ્નિકાંડ બાદ આગની વધુ એક ઘટના નોંધાઈ છે. સુરત નજીકના કડોદરા-નિયોલ ચેકપોસ્ટ નજીકના પુરીગામ પાસેની ગોપીનાથ એન્ટરપ્રાઇઝમાં ગત મોડી રાત્રિએ ભીષણ આગ ફાટી નીકળી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ એટલી પ્રચંડ હતી કે 12 કલાકની મહેનત બાદ આજે સવારે કાબૂમાં આવી હતી. ત્યાર બાદ ફાયર વિભાગે કૂલિંગનું કામ ચાલુ રાખ્યું હતું.
ફાયર વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જયેશભાઇ દેવરાજભાઇ ચલિયાની માલિકીની ગોપીનાથ એન્ટરપ્રાઇઝ નામની દોરા (યાર્ન) બનાવતી કંપનીમાં આગ લાગતાં સમગ્ર કડોદરાના નિયોલ પાટિયા પાસે ભયનો માહોલ છવાઇ ગયો હતો. મોડી રાત્રે હજારો લોકોની ભીડ જામી હતી અને આ ભીડને કાબૂ કરવા માટે પોલીસને બોલાવવી પડી હતી. આગમાં સંપૂર્ણ યાર્ન ફેકટરી બળીને ખાક થઇ ગઇ હતી અને કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.
આગ એટલી વિકરાળ હતી કે કડોદરા, બારડોલી ફાયરબ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer