એક સપ્તાહમાં ચાંદી પરનું પ્રીમિયમ બમણું બોલાયું

કોલકાતા, તા. 15 : ભારતીય બજારમાં ગયા એક સપ્તાહમાં ચાંદી પરનું પ્રીમિયમ બમણું થઈ ગયું છે. ચીન દ્વારા ચાંદીની આક્રમક ખરીદીના પગલે તેની સપ્લાયમાં ઘટાડો થયો છે. તો યુએસ તરફથી ચાંદીના આભૂષણો માટેની માગમાં પણ વધારો થયો છે. તેના કારણે ભારતમાં આ ધાતુ માટેની માગમાં વધારો થયો છે. આ વર્ષના એપ્રિલમાં ચાંદીના આભૂષણોની નિકાસમાં એપ્રિલ 2018ની તુલનાએ 186.23 ટકાનો વધારો થયો હતો.
હાલમાં સોના-ચાંદીના ભાવનો ગુણોત્તર 90 છે જે આગામી સપ્તાહોમાં ચાંદીની કિંમતમાં વધારો કરે એવી ધારણા રખાય છે. અને આથી બજારમાં સોનાનો ભાવ સોમવારે ઔંસદીઠ 1328 ડૉલર તો ચાંદીનો 14.98 ડૉલર હતો. તો ઘરઆંગણે કિલોદીઠ રૂા. 36500થી 37000માં વેપાર થાય છે.
જાણકાર નિષ્ણાત-વિશ્લેષકના મતે કોઈ પણ તબક્કે ચાંદીની કિંમતમાં વધારો થવાની શક્યતા છે. આ ધાતુ અંડરપ્રાઇસ છે તથા તેમાં આગામી સપ્તાહોમાં તેજી આવી શકે.
ચાંદીની માગમાં ઇન્ડસ્ટ્રિયલ ફેબ્રિકેશન વિભાગ 60 ટકા હિસ્સો ધરાવે છે. તેમાં 2019માં વધારો થવાની આગાહી થઈ છે. વધુમાં ફોટોબોલ્ટેઇક માગમાં પણ વધારો થવાની અપેક્ષા છે. એક અગ્રગણ્ય સંસ્થાના જણાવ્યા મુજબ 2019માં ભારત સૌથી મોટા ચાંદીના વપરાશકાર તરીકે સ્થાન જાળવી રાખશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer