દેશભરમાં ચાલશે એક મેટ્રો કાર્ડ

વન નેશન, વન કાર્ડ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, તા. 15 :  મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે ટૂંક સમયમાં ખુશખબરી આવી શકે છે. સરકાર એક એવું સ્માર્ટ કાર્ડ લાવવા ઉપર વિચારણા કરી રહી છે જેનો ઉપયોગ દેશની તમામ મેટ્રો માટે ઉપયોગ કરી શકાશે. આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ સીમિત યાત્રીઓ માટે જ હશે. અન્ય શહેરમાં મેટ્રો કાર્ડનો ઉપયોગ કરવા માટે મુસાફરે માત્ર કાર્ડ કાઉન્ટર ઉપરથી રિચાર્જ કરાવવાનું રહેશે. 
કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ જ વન નેશન વન કાર્ડની યોજના લોન્ચ કરી છે. જેના મારફતે દેશમાં કોઈપણ પરિવહન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. જો કે આ કાર્ય જારી કરાવવા માટે કેવાઈસી પ્રક્રિયા અનિવાર્ય રહેશે અને અલગ અલગ બેન્કમાંથી જ કાર્ડ મેળવી શકાશે. મેટ્રો કાર્ડ એક રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવું જ હશે. એક અંદાજ મુજબ કાર્ડ આગામી 6 મહિનામાં લોન્ચ કરવામાં આવશે. વન નેશન વન કાર્ડના પ્રોજેક્ટ સંબંધિત એક અધિકારીના કહેવા પ્રમાણે એવા લોકો જે થોડા સમય માટે ભારત આવ્યા હોય અથવા તો કોઈ શહેરમાં રોકાવાનો સમય ઓછો હોય તેવા લોકોને કાર્ડ મળશે નહી. કેવાઈસી પ્રક્રિયા પુરી કર્યા વિના કાર્ડ જારી કરવામાં આવશે નહી. આવા લોકો માટે એક વૈકલ્પિક કાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. જેના માટે પાસપોર્ટ અને આધારકાર્ડ ફરજીયાત રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer