રસ્તા પર કચરો ફેંકનાર ઘાટકોપરની હાઉસિંગ સોસાયટીને રૂા. 2000નો દંડ

સોસાયટીએ પરિસરમાં સીસીટીવી કૅમેરા બેસાડયા

મુંબઈ, તા. 15 : હાઉસિંગ સોસાયટીની બહાર આવેલા રસ્તા પર કચરો ફેંકનાર સોસાયટીને પાલિકાના એન વિભાગ (ઘાટકોપર પૂર્વ) ના અધિકારીઓએ બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પાલિકાની કાર્યવાહીથી સર્તક થઈને સોસાયટીની કમિટિએ આવો બનાવ બીજી વાર ન બને તે માટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને સોસાયટીની બહારના પરિસરમાં સીસીટીવી કેમેરા પણ બેસાડયા છે. 
રસ્તા પર અને નાળામાં કચરો નાખતી સોસાયટી અને લોકો વિરૂદ્ધ `એન' પૂર્વ વોર્ડના અધિકારીઓએ પોલીસની મદદથી કાર્યવાહી શરૂ કરી છે. ઘાટકોપર પૂર્વમાં રામનગર માર્ગ પર આવેલી અૉડિયન હાઉસિંગ સોસાયટીની બહાર કચરાનો મોટો ઢગલો હતો. માટે ઘનકચરા વ્યવસ્થાપન વિભાગના સહાયક એન્જિનિયર ઈરફાન કાઝીએ સોસાયટી પાસેથી 2000 રૂપિયા દંડ વસુલ્યો હતો. `સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત પાલિકાએ સોસાયટીઓને સૂકો અને ભીનો કચરો જુદો કરવાની નોટીસ મોકલાવી છે. છતા લોકો તેનો અમલ કરતા નથી. પાલિકાની કાર્યવાહીથી સતર્ક થયેલ સોસાયટીની કમિટિએ કચરો નાખનારનું નામ આપ્યા વગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ સોસાયટીના ગેટની સામે અને પરિસરમાં સીસીટીવી કેમેરા પણ લગાડી દીધા છે. અને હવે જો આવું થશે તો કચરો ફેંકનારના નામ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાવમાં આવશે તેવી નોટિસ પણ સોસાયટીના રહેવાસીઓને આપવામાં આવી છે. 
ઈરફાન કાઝીએ કહ્યું હતું કે, નિયમ મુજબ સોસાયટી પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. જે સોસાયટીઓ સ્વચ્છતાના નિયમનું પાલન નહીં કરે તેમના વિરૂદ્ધ આજ રીતે કાર્યવાહી કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer