બીટી કપાસનું બિયારણ શોધવા ખેડૂતોનાં ઘરની ઝડતી લેવાઈ

પુણે, તા. 15 : રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓએ સપ્તાહના આરંભે જેનેટિકલી મોડિફાઈડ (જીએમ) કપાસિયાનું બિયારણ પકડવા માટે આકોલી જહાંગીર ગામના ખેડૂતોનાં ઘરની ઝડતી લીધી હતી. 
સોમવાર શેતકરી સંઘટનાની આગેવાની નીચે આ ગામમાં આશરે પંદરસો ખેડૂતોએ એકઠા થઈને જીએમ પાક પ્રત્યેની કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં જીએમ કપાસિયાનું વાવેતર કર્યું હતું. ખેડૂત નેતાઓએ આ કૃત્યને પ્રજાકીય અસહકારના આંદોલન તરીકે ઓળખાવ્યું હતું.
 શેતકરી સંઘટનના કર્મશીલ ખેડૂત લલિત બહાલેએ આકોલા જિલ્લામાં આવેલા પોતાના ખેતરમાં કર્બિસાઈડ ટોલરન્ટ (એચટી) કપાસિયાનું ખુલ્લેઆમ વાવેતર કર્યું હતું. બીટી રીંગણાંનું વાવેતર બિયારણના અભાવે થઈ શકયું ન હતું. તેણે કહ્યું કે કેટલાક અધિકારીઓએ સોમવારે અને મંગળવારે તેના ઘરની જડતી લીધી હતી, પરંતુ ચકાસણી માટે જરૂરી 50 ગ્રામ બિયારણ ન મળવાથી તેઓ ખાલી હાથે પાછા ગયા હતા. જોકે, એ લોકો થોડા દિવસમાં પાછા આવવાના છે, એમ બહાલેએ ઉમેર્યુ ંહતું. 
જો અધિકારીઓને બહાલેના ઘરેથી ફરી વારની તપાસમાં પ્રતિબંધિત બિયારણ હાથ નહીં લાગે તો તેમણે વાવેલો પાક તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
ભારતમાં એચટી કપાસના વાવેતરની મંજૂરી અપાઈ નથી, પરંતુ ઘણાં રાજ્યોમાં તેની ગેરકાયદે ખેતી થઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને અદ્યતન ટેકનૉલૉજીનો ઉપયોગ કરવાની છૂટ હોવી જોઈએ.
હાલમાં એચટી કપાસિયા વાવવા બદલ પાંચ વર્ષની જેલ અને એક લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
શેતકરી સંઘટનાના રાષ્ટ્રીય પ્રમુખ અનિલ ધનવંતે કહ્યું હતું કે ખેડૂતોને જીએમ પાક વાવવાની છૂટ આપવી જોઈએ કેમ કે જીએમ પાકમાંથી બનેલા અનેક ખાદ્યપદાર્થો દેશમાં આયાત કરાઈ રહ્યા છે. `આપણે કૅનેડાથી જે કેનોલા તેલ મગાવીએ છીએ તે જીએમ જીન્સમાંથી બનેલું હોય છે. જો એ તેલ ખાઈ શકાતું હોય તો બીટી રીંગણાં કેમ નહી?' એવો સવાલ કર્યો હતો.
ધનવંતે કહ્યું હતું કે ખેડૂતો દરેક જિલ્લામાં આ બિયારણનું વાવેતર કરશે અને તેની વીડિયો કલીપ સોશિયલ મીડિયામાં મૂકશે જેથી સરકાર પર દબાણ આવે.
કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આવી ઘટનાઓ પર નજર રાખવા દરેક જિલ્લામાં બાયોસેફટી કમિટીઓની રચના કરી છે. બિયારણ પકડવાની કામગીરી જિલ્લાના કલેકટરે હાથ ધરી હોઈ શકે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer