હડતાળ-હિંસા મુદ્દે બંગાળ પાસે જવાબ મગાયો

ગૃહપ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસે બે અલગ અલગ હેવાલ માગ્યા

નવી દિલ્હી/કોલકાતા, તા. 15 : પશ્ચિમ બંગાળમાં તબીબો સાથે મારપીટના મામલા બાદ રાજ્યમાં ચાલી રહેલી તબીબોની હડતાળ અંગે રાજ્ય સરકારનો જવાબ માગ્યો છે. એટલું જ નહીં, ગૃહમંત્રી અમિત શાહે મમતા સરકાર પાસે 2016થી 2019 વચ્ચે બનેલી રાજકીય હિંસા વિશે પણ અહેવાલ માગ્યો છે.
કેન્દ્ર સરકારે મમતા સરકારને પૂછ્યું હતું કે, ડોક્ટરોની હડતાળ સમાપ્ત કરવા અને રાજકીય હિંસા પર લગામ લગાવવા માટે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કયા કદમ ઉઠાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે મમતા સરકાર પાસેથી હજુ સુધી રાજકીય હિંસાને રોકવા, તેની તપાસ અને દોષીઓને સજા અપાવવા માટે લેવામાં આવેલાં પગલાંઓ અંગે એક અહેવાલની માગણી કરી છે. ગૃહમંત્રાલયે કહ્યું હતું કે, પાછલાં કેટલાક વર્ષોથી સતત થઈ રહેલી હિંસા એ એક ચિંતાનો વિષય છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2016થી 2019 વચ્ચે થયેલી ચૂંટણી હિંસા, રાજકીય હિંસા અને લોકોનાં મોતની વધતી ઘટનાઓ  તરફ ઈશારો કરતાં રાજ્ય સરકારને એક માર્ગદર્શિકા જારી કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, પાછલાં કેટલાક વર્ષોથી સતત થઈ રહેલી   હિંસા  એ  ચિંતાનો  વિષય છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેને મળેલા અહેવાલને ટાંકીને કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં હિંસાની ઘટનાઓ વર્ષ 2016ની 509ની તુલનાએ 2018માં વધીને 1035 થઈ ગઈ હતી. વર્ષ 2019માં જ હજુ સુધીમાં 773 ઘટનાઓ બની ચૂકી છે. રાજ્યમાં આ પ્રકારની હિંસામાં જ્યાં 36 લોકોનાં મોત થયાં હતાં ત્યાં 2018માં મૃત્યુ પામનારાઓની સંખ્યા 96એ પહોંચી ગઈ હતી. વર્ષ 2019માં જ અત્યાર સુધી 26નાં મોત થઈ ચૂક્યાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer