આઠ દિવસના વિલંબે કેરળ પહોંચ્યું ચોમાસું

આઠ દિવસના વિલંબે કેરળ પહોંચ્યું ચોમાસું
નવી દિલ્હી, તા. 8 : આશરે એક સપ્તાહ જેટલા વિલંબ બાદ આખરે આજે ચોમાસાંએ કેરળ તટ પર પ્રવેશ કર્યો છે. ભારતીય મોસમ વિભાગ (આઈએમડી)એ તેની વિધિવત્ જાહેરાત કરી હતી. આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચોમાસાંએ આજે કેરળમાં દસ્તક આપી દીધી છે. કેરળના તટીય સહિત તમામ વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. જો કે, ચોમાસાંમાં વિલંબને ઋતુના કુલ વરસાદ સાથે કોઈ સંબંધ નથી. એવું જરૂરી નથી કે ચોમાસાના પ્રવેશમાં વિલંબ થવાને કારણે આ ઋતુમાં વરસાદ પણ ઓછો થશે. જો કે, કેરળમાં પ્રવેશવામાં થયેલા વિલંબને કારણે દેશના અન્ય ભાગોમાં પણ ચોમાસું મોડું પ્રવેશશે.
ચોમાસાંની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. દેશનો મોટાભાગનો વિસ્તાર ખેતી માટે વરસાદ પર નિર્ભર છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતના મોટા ભાગના જળાશયોમાં પાણીનું સ્તર ઘણું નીચું પહોંચી ગયું હતું. સિંચાઈના વૈકલ્પિક સાધનો ન હોવાને કારણે મોટાભાગનું ગ્રામીણ ભારત ચાર મહિના ચાલનારી વરસાદની ઋતુ પર આધારિત છે. નૈઋઍત્યના ચોમાસામાં વાર્ષિક વરસાદનું 75 ટકા પાણી વરસે છે.
ભૂ-વિજ્ઞાન મંત્રાલયના સચિવ માધવન રાજીવને પણ ટ્વિટ કરીને કેરળમાં વરસાદના આગમનની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કેરળમાં આગામી બે-ત્રણ દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer