માલદીવમાં મોદીનું સર્વોચ્ચ સન્માન

માલદીવમાં મોદીનું સર્વોચ્ચ સન્માન
છ સમજૂતીઓ પર સહીસિક્કા : સંસદને સંબોધનમાં સરકારપ્રેરિત આતંકવાદને સૌથી મોટો ખતરો ગણાવ્યો

માલે, તા. 8 : બીજા શાસનકાળની શરૂઆત કર્યા બાદ પ્રથમ વિદેશી પ્રવાસ ખેડતાં શનિવારે માલદીવ પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિદેશી હસ્તીઓ માટેનાં સર્વોચ્ચ સન્માન  રૂલ ઓફ નિશાન ઇજ્જુદીનથી સન્માન કરાયું હતું.
મોદીએ પ્રતિક્રિયામાં આ સન્માનને સમગ્ર ભારતનાં સન્માન અને ગૌરવરૂપ ગણાવતાં કહ્યું હતું કે, માલદીવમાં વિકાસનાં માર્ગો ખુલ્લા છે. અહીં વિકાસની અનેક યોજના જારી છે. બન્ને દેશોમાં સંપર્ક વધારવા અમો પ્રતિબદ્ધ છીએ. 
રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહના હસ્તે સન્માનિત થયેલા ભારતના વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત કોઇ પણ સ્થિતિમાં માલદીવની સાથે ઊભું છે. બન્ને દેશના લોકો સ્થિરતા ઇચ્છે છે. સોલીહ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં મોદીએ કહ્યું કે આ સમગ્ર ભારત દેશનું સન્માન છે.
સંરક્ષણ અને સમુદ્રીય સલામતી જેવા ચાવીરૂપ ક્ષેત્રે દ્વિપક્ષી સહકાર મજબૂત બનાવતી છ સમજૂતી પર બેઉ દેશોએ સહીસિક્કા કર્યા હતા. હાઇડ્રોગ્રાફી તથા આરોગ્યક્ષેત્રના સહકારના એમઓયુ તથા અન્ય સમજૂતીઓમાં દરિયાઈ માર્ગે ઉતારુ અને કાર્ગો સેવાઓ સ્થાપવાની, વેરા અને કસ્ટમ્સ સેવાના સહકારની સમજૂતીનો સમાવેશ થાય છે. ભારતીય નેવી અને માલદીવ્ઝ નેશનલ ડિફેન્સ ફોર્સ વચ્ચે વ્હાઇટ શિપિંગ ઇન્ફોર્મેશન સહભાગી કરવાની તકનિકી સમજૂતી પર સહીસિક્કા થયા હતા.
પીએમ મોદીએ માલદીવ્ઝની સંસદ-મજલિસ-ને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે પૂર્વ પ્રમુખ મોહમ્મદ નશીદ સ્પીકર બન્યા પછી સંસદના આ પ્રથમ સત્રમાં તમારા સહુ વચ્ચે ઉપસ્થિત થવાનું મને ગૌરવ છે. આતંકવાદ માત્ર એક દેશ નહીં સમગ્ર સભ્યતા માટે ખતરો બન્યો છે, એમાંય સરકારપ્રાયોજિત આતંકવાદ સૌથી મોટો ખતરો છે. તેથી આતંકવાદ અને કટ્ટરવાદના પડકાર સામે સાથે મળી લડવું એ વૈશ્વિક આલમ માટે મહત્ત્વનું છે. સેંકડો વર્ષોથી ભારત-માલદીવ્ઝ વચ્ચે સંબંધો રહ્યા છે. પડોશી દેશોને પ્રાથમિકતા આપવાની અમારી સરકારની નીતિ છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે માલદીવ્ઝના દક્ષિણીય ભાગમાં, જ્યાં શહેરી વિકાસ સેન્ટર બંધાઈ રહ્યું છે ત્યાં ફ્રાય ડે મોસ્ક (જુમા મસ્જિદ)નું બાંધકામ કરી આપવા ભારત સંમત થયું છે. તેમજ કોચી અને માલદીવ્ઝ વચ્ચે ફેરી સેવાઓ શરૂ કરવા બેઉ દેશો સહમત થયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer