સપાને પાટે ચડાવવા મુલાયમ સિંહે સંભાળી કમાન

સપાને પાટે ચડાવવા મુલાયમ સિંહે સંભાળી કમાન
નવી રણનીતિની પરિવારને એક કરવાથી શરૂઆત : સાઈડલાઈન કરેલા નેતાઓ સાથે સતત સંપર્ક

લખનઉ, તા. 8 : લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે સમાજવાદી પાર્ટીને ફરીથી બેઠી કરવા અને સંગઠન મજબુત કરવા માટે ખુદ મુલાયમ સિંહ યાદવે કમાન સંભાળી લીધી છે. મુલાયમ સિંહ હવે સતત પક્ષના વરિષ્ઠ નેતાઓ પાસેથી હાર મામલે ચર્ચા કરી રહ્યા છે. વધુમાં આગળની રણનીતિ પણ બનાવી રહ્યા છે. જો કે પક્ષને મજબૂત કરવામાં મુલાયમ સિંહની શું ભૂમિકા રહેશે તેના ઉપર હજી સુધી સપાના નેતાઓ કોઈ ફોડ પાડી રહ્યા નથી.
પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ લોકસભાના પરિણામો બાદ એક્શનમાં આવ્યા છે. છેલ્લા અમુક દિવસથી સતત પક્ષના કાર્યાલયે જોવા મળી રહ્યા છે. કાર્યાલયે તેઓ પક્ષના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા છે. પક્ષના સુત્રોના કહેવા પ્રમાણે મુલાયમ સિંહ સાઈડલાઈન કરી દેવામાં આવેલા નેતાઓ સાથે ખાસ મુલાકાત કરી રહ્યા છે. મુલાયમ સિંહ પક્ષની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યને લઈને સતત ચિંતામાં છે. આ પરિસ્થિતિમાં પરિવારને એક કરવાના પ્રયાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. બીજી તરફ અખિલેશ યાદવ પણ પક્ષને ફરીથી બેઠો  કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer