કેવડિયામાં હવે વિદેશી ટાઈગર અને લાયનની ત્રાડ સાંભળવા મળશે

કેવડિયામાં હવે વિદેશી ટાઈગર અને લાયનની ત્રાડ સાંભળવા મળશે
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 8 : દક્ષિણ ગુજરાતના કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ છે, તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે. તેવા સ્થળે પ્રવાસીઓને આગામી ટૂંક સમયમાં જ વિદેશી લાયન અને ટાયગરની ત્રાડ સાંભળવા મળશે. 
ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના 22 કિલોમીટરના વિસ્તારમાં જુદા જુદા 30 પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. જેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં લોકોને ખૂબ જ રસ પડે અને આકર્ષે તેવો પ્રોજેક્ટ જંગલ સફારીનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અહીં ભારતના તેમજ વિદેશનાં જંગલી પ્રાણીઓને લાવવામાં આવશે. અહીં નાનકડી ખાઈ બનાવવામાં આવશે. ખાઈની આસપાસ લોખંડની જાળી બનાવાશે, જેમાંથી પ્રવાસીઓ ખુલ્લામાં રખાયેલાં પ્રાણીઓને જોઈ શકશે.  
વિદેશનાં પ્રાણીઓમાં લાયન અને ટાયગર ઉપરાંત ઓસ્ટ્રેલિયાનું કાંગારુ તેમજ હિપોપોટેમસ અને લાંબી ડોકવાળું જિરાફ બાળકોની સાથે વડીલોનું પણ મન મોહી લેશે. આ ઉપરાંત જુરાસિક પાર્ક પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પાર્કમાં 75 ફૂટ ઊંચા ડાયનોસોર બનાવાશે, જેને હિલની ટોપ ઉપર રાખવામાં આવશે. 
વિંધ્યાચલની પર્વતમાળા ઉપર એક એડવેન્ચર ટ્રાકિંગ પણ તૈયાર કરાશે, જ્યારે ડિજિટલ ફોરેસ્ટ વર્લ્ડના પ્રોજેક્ટમાં વિવિધ રૂમો બનાવાશે. જેમાં થ્રીડીથી લઈ સેવન ડી સુધીનો થ્રાલિંગ એક્સ્પીરિયન્સ પ્રવાસીઓને કરાવાશે. જેમકે મોટો ધોધ વહેતો હોય ભારે વરસાદ આવતો હોય, જંગલી પ્રાણીઓ ત્રાડ પાડતાં હોય એ પ્રકારનો અનુભવ આ પાર્કમાં થઈ શકશે.  
હિલની ટોપ ઉપર મહાન નેતાઓની મુખાકૃતિ એટલે કે મોટા સ્કલ્પચર મુકાશે. નેવિગેશનની 60 ફૂટ પહોળી ચેનલ બનાવાશે. ફેરી સર્વિસ દ્વારા ભારત ભવનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી તેમાં મુસાફરોને લઈ જવાશે. સાત કિલોમીટર ચડવા ઊતરવા માટે જેટી પણ તૈયાર કરાશે. 
ગરુડેશ્વર વિયરમાં પાણી ભરાયેલું રખાશે. અહીં હાઈ લેવલ બ્રીજ બનશે તેમજ ટૂરિસ્ટોને વિનામૂલ્યે વાઇ-ફાઇની સુવિધા પૂરી પડાશે. કુલ 22 કિલોમીટરના વિસ્તારમાં ઉભા થનારા વિવિધ પ્રકારના 30 પ્રોજેક્ટ અંતર્ગત ચિલ્ડ્રન્સ નેશનલ પાર્ક અને એકતા નર્સરી ઊભા કરાશે, જ્યાં કઇ ઉંમરના, કેવાં બાળકોને, કયાં ન્યુટ્રીશનની જરૂરિયાત હોય છે. તે સંદર્ભેની માહિતી અપાશે જ્યારે નર્સરીમાંથી લોકો પ્લાન્ટ લઇ શકશે અને આદિવાસી બહેનો જે માટીના કુંડા બનાવે છે તેવા કુંડા પણ બનાવી શકશે. અન્ય ઊભા થનારા ગાર્ડનમાં વિવિધ પ્રકારના છોડ તથા બટર ફ્લાય રાખવામાં આવશે તેમજ ટૂરિસ્ટો માટેનો સેલ્ફી પોઇન્ટ બનાવાશે. 
આ જ સ્થળ પર એક એકતા મોલ ઉભો કરાશે, જેમાં વિવિધ રાજ્યોના હેન્ડલૂમ સ્ટોર્સ ઉભા કરાશે. આ ઉપરાંત એકતા ઓડિટોરીયમ બનાવાશે. જેની અંદર ડાન્સ મ્યુઝિકલ પાર્ટી સહિતના વિવિધ ફેસ્ટિવલ અને પ્રોગ્રામ કરાશે. આ વિસ્તારમાં જ એક નેચરલ ધોધ વહી રહ્યો છે. આ સ્થળે એડવેન્ચર્સનો પોઇન્ટ ઊભો કરાશે જ્યારે ખલવાની પ્લેસ નજીક રિવર રાફ્ટિંગ નદીનું વહેણ જાય છે જ્યાં પ્રવાસીઓ તદ્દન નવી પ્રકારની થ્રીલીંગનો અનુભવ કરશે. 
બહારગામથી આવતા પ્રવાસીઓ અહીં સસ્તા દરથી રહી શકે તે માટે સરદાર સરોવર રીસોર્ટ ઊભો કરાશે જ્યાં રહેવા માટેની 200 રૂમો બનાવાશે. ઉપરાંત મુસાફરો સસ્તા દરે અહીં રાતવાસો કરી શકે તે માટેની વ્યવસ્થા ઊભી કરાશે. મુસાફરોને આઇસક્રીમ તથા મિલ્ક અને લસ્સી મળી શકે તે માટે અમૂલનાં 3 પાર્લર ઉભાં કરાશે. 
સમગ્ર વિસ્તારને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરાશે. આ અંગે સરદાર સરોવર નિગમ જનરલ મેનેજર એમ.બી જોષી જણાવે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર સ્થળને ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવા માટેની યોજના છે. બહારથી આવનારા મુસાફરો જો અહીં રાતવાસો કરે તો સ્થાનિક લોકોને રોજગારી પણ વધુ મળશે. 
વિવિધ પ્રકારના 30 પ્રોજેક્ટ 22 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા હોવાથી મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે બસની સુવિધા પણ કરાશે. ટિકિટના દર પણ વાજબી રખાશે. 31મી ઓકટોબર પહેલા જ તમામ પ્રોજેક્ટનાં કામો પૂરા કરવામાં આવે તેવું આયોજન છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer