આજે અૉસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરશે ભારત

આજે અૉસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરશે ભારત
લંડનનું વાતાવરણ સાફ રહેવાની આગાહીથી બન્ને ટીમોની છાવણીમાં રાહત

નવી દિલ્હી, તા. 8 : વિશ્વકપમાં આવતીકાલે રવિવારે ભારતીય ટીમ બીજો મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. ઓસ્ટ્રેલિયાને પણ વિશ્વકપ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે. અને ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ સામેના મેચમાં ઓસ્ટ્રેલિયાએ બતાવ્યું હતું કે ચેમ્પિયન ટીમ કેવી રીતે મુશ્કેલીઓમાંથી બહાર આવે છે. કંગારુ ટીમ માત્ર 38 રનમાં 4 વિકેટ ગુમાવી ચુકી હતી. તેમ છતા 288નો સ્કોર કર્યો હતો અને જીત પણ મેળવી હતી. જો કે અત્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ કરતા વધુ મજબુત ગણાઈ રહી છે.  
ભારત અને ઓસ્ટ્રેલિયાના રમતની વાત થાય તો છેલ્લા બે દશકાથી બન્ને ટીમ વચ્ચેની પ્રતિસ્પર્ધા વધી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોઈપણ મેચ રમાય તો તેમાં બન્ને ટીમો પુરજોશથી મેદાનમાં ઉતરે છે. રવિવારે યોજાનારા મેચમાં પણ આવી જ પ્રતિસ્પર્ધા જોવા મળશે. ભારતીય ટીમ આ વખતે વિશ્વકપમાં અલગ જ ફોર્મેટ સાથે ઉતરી છે. જે અમુક ટીમોમાં જ છે. ભારત પાસે 4-4 ઓલરાઉન્ડર છે. જે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં તાકાત વધારે છે.
 વધુમાં સ્પીનરો મીડલ ઓર્ડરની વિકેટ ઝડપીને સપોર્ટ કરી રહ્યા છે. મેચ અગાઉ બન્ને ટીમો અભ્યાસનો પ્લાન પણ બનાવી રહી હતી. પરંતુ ઈંગ્લેન્ડના હવામાને આશા ઉપર પાણી ફેરવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સવારે પ્રેક્ટિસનો પ્લાન કર્યો હતો. પરંતુ લંડનમાં એવો વરસાદ પડયો હતો કે કલાકો સુધી ખેલાડી હોટલમાંથી બહાર પણ નિકળી શક્યા નહોતા. જો કે રવિવારે વાતાવરણ સાફ રહેવાની આગાહી હોવાથી ખેલાડીઓને રાહત થઈ છે. બન્ને ટીમો વચ્ચે અત્યારસુધી રમાયેલા વનડે ઉપર નજર કરીએ તો કુલ 136 વનડે રમાઈ છે. જેમાંથી 77માં જીત મેળવીને ઓસ્ટ્રેલિયા આગળ છે. જ્યારે ભારત 49 મેચ જીતી શક્યું છે.
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ.
ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેકસ કેર, નેથન કુલ્ટર નાઈલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઈસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.
ભારત વિ. ઓસી : આંકડાની આંખે
ભારત-અૉસ્ટ્રેલિયા કુલ મૅચો
કુલ મેચો રમાઈ          136
ભારતની જીત             49
ઓસ્ટ્રેલિયાની જીત       77
પરિણામ ન આવ્યા      10
છેલ્લી મેચ રમાઈ        13મી માર્ચ 2019
પ્રથમ મેચ રમાઈ         6 ડિસેમ્બર 1980
વર્લ્ડ કપમાં મેચો
કુલ મેચો                    11
ઓસ્ટ્રેલિયાની જીત       08
ભારતની જીત              03
ભારતની છેલ્લી જીત    2011 વર્લ્ડકપ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer