ધોની બલિદાન ચિહન ધરાવતા ગ્લોવ્ઝ નહીં પહેરે

ધોની બલિદાન ચિહન ધરાવતા ગ્લોવ્ઝ નહીં પહેરે
બીસીસીઆઈને કહ્યું, નિયમોનો ભંગ થતો હશે તો આઈસીસીની વાત માનવા તૈયાર

નવી દિલ્હી, તા. 8 : આઈસીસીએ વિશ્વકપમાં ભારતીય સેનાના બલિદાન નિશાન ધરાવતા ગ્લોવ્ઝ પહેરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યા બાદ હવે એમએસ ધોનીએ પણ આઈસીસીનો  ફેંસલો માન્ય રાખ્યો છે. એક અહેવાલ પ્રમાણે ધોનીએ બીસીસીઆઈને કહ્યું હતું કે, જો ભારતીય સેનાના બલિદાનના નિશાન ધરાવતા ગ્લોવ્ઝ પહેરવાની આઈસીસીના નિયમનો ભંગ થાય તો તે આગામી મેચમાં ગ્લોવ્ઝ પહેરશે નહીં. 
આ અગાઉ આઈસીસી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, રૂલબુક પ્રમાણે કોઈપણ ખેલાડી સત્તાવાર મેચ દરમિયાન કોઈપણ પ્રકારનો અંગત સંદેશ આપતા લોગોને કિટ ઉપર પહેરવાની અનુમતિ મળતી નથી. આઈસીસીના કહેવા પ્રમાણે એમએસ ધોનીના ગ્લોવ્ઝ ઉપરના બલિદાન ચિન્હથી વિકેટકિપર ગ્લોવ્ઝને લઈને જારી નિયમોનો પણ ભંગ થઈ રહ્યો છે. ધોનીના ગ્લોવ્ઝનો વિવાદ ઉઠયા બાદ બીસીસીઆઈએ કહ્યું હતું કે, આઈસીસીને ગ્લોવ્ઝ મામલે પહેલા જ જાણકારી આપવામાં આવી હતી. સાથે ધોની નિશાન હટાવશે નહી તેમ પણ કહેવામાં આવ્યું હતું. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત સીઓએના અધ્યક્ષ વિનોદ રાયે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ધોનીએ આઈસીસીનો કોઈ નિયમ તોડયો નથી. કારણ કે ગ્લોવ્ઝના નિશાન સાથે ભારતીય સેના કે સુરક્ષા દળનો કોઈ સંબંધ નથી. તેવામાં નિયમ તૂટવાનો સવાલ જ ઉઠતો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer