આ વર્ષે એસએસસીનું કુલ પરિણામ 77.10 ટકા, છેલ્લાં છ વર્ષમાં સૌથી નબળું

સૌથી સારું 88.38 ટકા પરિણામ કોંકણ વિભાગનું જ્યારે સૌથી નબળું 67.27 ટકા નાગપુરનું, મુંબઈ 77.04 ટકા
 
મુંબઈ, તા. 8 (પીટીઆઇ) : આજે મહારાષ્ટ્ર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ (એસએસસી) બોર્ડ (દસમી)નાં પરિણામો જાહેર થયાં હતાં. આ વર્ષે દસમીનું રાજ્યનું કુલ પરિણામ 77.10 ટકા આવ્યું છે, જે ગયા વર્ષના 89.41 ટકા કરતાં 12.31 ટકા નબળું છે. મુંબઈ ડિવિઝનનું પરિણામ ગયા વર્ષે 90.41 ટકા હતું, જે આ વર્ષે ઘટીને 77.04 ટકા થયું છે. 
પુણેની મહારાષ્ટ્ર રાજ્ય સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર કરાયેલા દસમીનાં પરિણામો પ્રમાણે આ વર્ષે વિદ્યાર્થિનીઓએ ગયા વર્ષ કરતાં પણ ઊજળો દેખાવ કર્યો છે. ગયા વર્ષે 72.18 ટકા વિદ્યાર્થિનીઓ એસએસસીમાં પાસ થઇ હતી તેની સામે આ વર્ષે 82.82 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. વિદ્યાર્થિનીઓ પાસ થવાની ટકાવારીમાં 10.64 ટકાના ધરખમ વધારા સામે વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારીમાં ગયા વર્ષ કરતાં 12.31 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. 
બોર્ડની યાદી પ્રમાણે રાજ્યના એસએસસીના નવ ડિવિઝનમાં મળી કુલ 16,18,602 સ્ટુડન્ટે પરીક્ષા આપી હતી જેમાંથી 12,47,903 સ્ટુડન્ટ પાસ થતા એસએસસીનું કુલ પરિણામ 77.10 ટકા આવ્યું છે. નવ ડિવિઝનમાંથી સૌથી સારું પરિણામ 88.38 ટકા કોંકણ વિભાગનું જ્યારે સૌથી નબળું પરિણામ 67.27 ટકા નાગપુર ડિવિઝનનું આવ્યું છે. બોર્ડની યાદી પ્રમાણે રાજ્યની કુલ 1794 સ્કૂલોનાં પરિણામ 100 ટકા આવ્યાં છે અર્થાત આટલી સ્કૂલોના એસએસસીના તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. 
વિનોદ તાવડે : મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે વર્ષ 2008થી 2018 સુધી રાજ્યમાં એસએસસીના સ્ટુડન્ટ માટે વીસ માર્કની ઇન્ટરનલ ઇવેલ્યુએશન સિસ્ટમ હતી એ ગયા વર્ષથી બંધ કરાઇ છે. વર્ષ 2007માં આ સિસ્ટમ નહોતી ત્યારે એસએસસીનું કુલ પરિણામ 78 ટકા (પાસ) આવ્યું હતું, પરંતુ આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ પરિણામની ટકાવારી 87.41 ટકા જેટલી ઊંચી ગઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer