બૅન્કો વિરુદ્ધની ફરિયાદોમાં વધારો

મુંબઈ, તા. 8 : કેન્દ્ર સરકાર દ્વારા સતત કેશલેસ અર્થતંત્ર માટે આગ્રહ રાખવામાં આવે છે. ત્યારે છેલ્લાં કેટલાક વર્ષોથી બૅન્કો વિરુદ્ધ ગ્રાહકોની ફરિયાદમાં વધારો થયો છે. આ વધારાને કારણે સરકારી સહાય વડે ચાલતા ગ્રાહક સંગઠને બૅન્કિંગ સેક્ટરમાં કેટલાંક સુધારા સૂચવ્યા છે.
કન્ઝ્યુમર ગાઇન્ડસ સોસાયટી અૉફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી ભલામણોમાં બધી બૅન્કોના સમય અને પ્રોસીજરમાં સમાનતા, માગણી અનુસાર લૉન અંગેના ત્રૈમાસિક સ્ટેટમેન્ટ અને બાઉન્સ થયેલા ચેક ઉપર વધારાનો ચાર્જ ન લેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ ગ્રાહક સંગઠને આખો જૂન મહિનો ગ્રાહકોની બૅન્કિંગ અંગેની સમસ્યાઓ અને ફરિયાદો દૂર કરવા માટે રાખ્યો છે. આ માસના અંતમાં રિઝર્વ બૅન્ક ઇન્ડિયાના અધિકારીઓ સાથે બેઠક યોજાશે. તેમાં ભલામણોની યાદી રિઝર્વ બૅન્કને સુપરત કરવામાં આવશે.
કન્ઝયુમર ગાઇડન્સ સોસાયટી અૉફ ઇન્ડિયાના ડૉ. એમ.એસ. કામતે જણાવ્યું હતું કે બૅન્કિંગના વ્યવસાયમાં અયોગ્ય રીત રસમો ઉપર ધ્યાન આપવાની અને ગ્રાહકોને પોતાની મુશ્કેલીઓ શક્ય એટલી વહેલી દૂર કરવામાં મદદ થશે.
સી.જી.એસ.આઈ. દ્વારા મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝયુમર હેલ્પલાઇન ચલાવવામાં આવે છે. તેને બૅન્કો વિરુદ્ધ સંખ્યાબંધ ફરિયાદો મળે છે. નાણાકીય વર્ષ 2018-19માં 854 અને વર્ષ 2017-18માં 10-10 ફરિયાદો મળી હતી.
કન્ઝયુમર ગાઇડન્સ સોસાયટી અૉફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વિશ્લેષણ અનુસાર સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સીસ અને આઈડીબીઆઈ જેવી મહત્ત્વની બૅન્કો વિરુદ્ધ ફરિયાદો મળી હતી. સ્ટેટ બૅન્ક વિરુદ્ધ 26 ટકા અને એચડીએફસી વિરુદ્ધ 14 ટકા ફરિયાદો મળી હતી. આઈસીઆઈસીઆઈ વિરુદ્ધ નવ ટકા, આઈડીબીઆઈ વિરુદ્ધ પાંચ ટકા અને યસ બૅન્ક વિરુદ્ધ ચાર ટકા ફરિયાદો મળી હતી.
સી.જી.એસ.આઈ. દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે આ વ્યાયામ પાછળનો મુખ્ય હેતુ બૅન્કિંગ ઉદ્યોગના કારણે ગ્રાહકોને વેઠવી પડતી સમસ્યાને ઉકેલવામાં મદદ મળશે.
સી.જી.એસ.આઈ. તરફથી તૈયાર કરવામાં આવેલી ભલામણો અનુસાર બધી બૅન્કોના સમય અને પ્રોસીજર સમાન રાખવાની, ફિકસ્ડ ડિપોઝિટ મૂકવા આવનારોને મ્યુચ્યુઅલ ફંડની ડેસ્ક ભણી વાળવા નહીં, બાઉન્સ ચેક માટે ડિપોઝીટર પાસે ચાર્જ લેવો નહીં, બૅન્કોના મર્જર સમયે ગ્રાહકોના હિતોનો વિચાર કરવો, વરિષ્ઠ નાગરિકોના હિતોની જાળવણી અને નેટ બૅન્કિંગ શીખવવા માટે સમાજના બધા વર્ગોને મદદ કરવી જેવી બાબતોનો સમાવેશ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer