કૉંગ્રેસ અને એનસીપીના મળી પચીસ વિધાનસભ્યો

ભાજપમાં જોડાવા આતુર : ગિરીશ મહાજનનો દાવો

મુંબઈ, તા. 8 (પીટીઆઇ) : કૉંગ્રેસ અને એનસીપીના મળીને લગભગ પચીસ વિધાનસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો દાવો મહારાષ્ટ્રના જળ સ્ત્રોત વિભાગના પ્રધાન ગિરિશ મહાજને આજે કર્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બર-અૉક્ટોબરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી થવાની છે એ અગાઉ વિપક્ષી પાર્ટીઓને મોટો આંચકો આપવાની આગાહી કરતા હોય એમ ભાજપના સિનિયર નેતા મહાજને કહ્યું હતું કે કૉંગ્રેસ અને એનસીપીના મળીને લગભગ પચીસ વિધાનસભ્યો મારા સંપર્કમાં છે. આમાંના કેટલાંક મને રૂબરૂ મળ્યા છે, કેટલાંકે મને ફોન કરીને તો કેટલાંકે કોઇ અન્ય દ્વારા મને એવા સંકેતો આપ્યા છે કે તેઓ ભાજપમાં જોડાવા આતૂર છે. 
નાશિકના પાલક પ્રધાન મહાજનને શુક્રવારે જ જળગાંવ જિલ્લાના પાલક પ્રધાન પણ બનાવાયા છે. ઉત્તર મહારાષ્ટ્રમાં સ્થાનિક પંચાયતો તેમ જ લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઝળહળતી સફળતાનો શ્રેય મહાજનને મળ્યો છે.
હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ શ્રેષ્ઠ દેખાવ કરશે એવો વિશ્વાસ દર્શાવતા મહાજને કહ્યું હતું કે મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ અશોક ચવાણને પણ ખબર નથી કે તેમની નજીકના અને વિશ્વાસુઓ ગમે ત્યારે ભાજપમાં પ્રવેશવાના છે. હાલમાં રાજ્યમાં રાજકીય હવા ભાજપ તરફી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના વિશ્વાસુ ગણાતા મહાજને કહ્યું હતું કે વિધાનસભાની આગામી ચૂંટણીમાં કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને લડશે તો પણ પચાસથી વધુ બેઠકો મળે એમ નથી. મુખ્ય પ્રધાન કૉંગ્રેસના વિધાનસભ્યોનો સંપર્ક કરીને ભાજપમાં જોડાવાનું ઇજન આપી રહ્યા હોવાના અશોક ચવાણના આક્ષેપોને મહાજને નકારી કાઢ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer