કોડીનારમાં બે શંકાસ્પદ ઇરાની જહાજોને પકડી લેવાયાં

3 જહાજો પૈકી 1 જહાજની દીવના દરિયામાં જળસમાધિ: ભારતીય સુરક્ષા એજન્સીની તપાસનો ધમધમાટ

જહાજોમાં વાંધાજનક વસ્તુઓ અને ડ્રગ્સ હોવાની શક્યતા વચ્ચે 14 ક્રૂ મેમ્બરોની સઘન પૂછપરછ જારી

કોડીનાર, તા.8 : કોડીનારથી દીવ વચ્ચેના દરિયામાંથી ઈરાનથી આવેલા બે શંકાસ્પદ જહાજોને 14 ક્રૂ મેમ્બરો સાથે પકડી પાડી ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા મૂળદ્વારકા બંદરે અંબુજા સિમેન્ટની જેટી ઉપર લાવવામાં આવ્યા હતા. જહાજોમાં ડ્રગ્સ જેવી વાંધાજનક વસ્તુઓ હોવાની શંકાના આધારે 14 ક્રૂ મેમ્બરોની સધન પૂછપરછ હાથ ધરાઈ છે. કોડીનારના દરિયામાં બે શંકાસ્પદ વિદેશી જહાજો પકડાયા હોવાની ઘટનાના પગલે સુરક્ષા એજન્સીઓએ કોડીનારમાં ધામા નાંખીને બારીકાઈથી પૂછતાછ ચાલુ કરી છે. ઈરાનથી આવેલા આ જહાજોમાં મોટી માત્રામાં ડ્રગનો જથ્થો હોવાની સંભાવના સેવાઈ રહી છે.
આ અંગે આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઈરાનના જહાજે દીવ દરિયા નજીક પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરતા કોસ્ટગાર્ડે આ સેટેલાઇટ કોલને આંતરી તેનું લોકેશન મેળવી દીવના દરિયા નજીકથી બે શંકાસ્પદ વિદેશી ઈરાનના જહાજોને દરિયાની વચ્ચે આંતરી કોડીનારના મૂળદ્વારકા બંદરે અંબુજા સિમેન્ટની જેટી ઉપર લાવી, આ રાષ્ટ્રીય સલામતીનો મુદ્દો હોય કોસ્ટગાર્ડે વિવિધ સુરક્ષા એજન્સીઓને આ અંગે જાણ કરતા આઈ.બી., ઇન્ડિયન નેવી, કોસ્ટગાર્ડે, એફ.એસ.એલ., નાર્કોટેસ્ટ, એ.ટી.એસ., એસ.ઓ.જી., જામનગર પોલીસ સહિતની ટીમો એ કોડીનારમાં ધામા નાખી આ શંકાસ્પદ જહાજોની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી.
સૂત્રોમાંથી વધુમાં મળેલી વિગત મુજબ સી.સેલ નામનું જહાજ ઈરાનનું હોવાનું અને તેનું રજિસ્ટ્રેશન ઇન્ડોનેશિયા નજીકના એક ટાપુનું હોવાનું અને આ જહાજ ઇન્ડોનેશિયાથી બે ટગ (જહાજ ખેંચવાના નાના વહાણ )ને કુવૈત પહોંચાડવાના હોય બન્ને ટગને દોરડાથી બાંધી કુવૈત જઈ રહ્યું હતું. તે દરમિયાન રસ્તામાં અનેક વખત ડીઝલ ખૂટી જેવા અનેક મુશ્કેલીઓનો સામનો કરી દીવ નજીક પહોંચતા ત્યાં એક ટગનું દોરડું તૂટી જતા એક ટગે દીવના દરિયામાં જળસમાધિ લીધી હોવાનું અને જહાજમાં ડીઝલનો જથ્થો પૂરો થઈ ગયો હોવાના કારણે જહાજ કેટલાક સમયથી દીવ નજીક દરિયામાં જ હોવાનું અને આ શંકાસ્પદ ઈરાની જહાજમાં પાંચ ભારતીય અને ઈરાનના 9 મળી કુલ 14 ક્રૂ મેમ્બરો સવાર હોવાનું તેમજ જહાજમાંથી સફેદ પાવડર જેવું કઈક વાંધાજનક મળી આવ્યું હોય તેનું લેબ પરીક્ષણ કરવાની કામગીરી જહાજમાં જ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ તમામ 14 ક્રૂ મેમ્બરોની વિવિધ એજન્સીઓ દ્વારા સધન પૂછપરછ કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દરિયામાં ગરકાવ થયેલા અન્ય એક ટગની તપાસ ઇન્ડિયન એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. 
આ અંગે હજુ સુધી કોસ્ટગાર્ડ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી પરંતુ તપાસ પૂરી થયે જામનગર અથવા પોરબંદરથી પ્રેસ નિવેદન રીલિઝ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ છેલ્લા બે મહિનાના સમયગાળામાં ગુજરાતની જળ સીમામાંથી ડ્રગ્સના મોટા મોટા કન્સાઇમેન્ટ પકડાઈ રહ્યા હોય તે જોતા આ જહાજમાં પણ ડ્રગ્સનો જથ્થો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સૂત્રો મુજબ દીવ-કોડીનારના દરિયામાંથી પ્રતિબંધિત સેટેલાઇટ કોલનાં કારણે પકડાયેલા આ જહાજ જો સેટેલાઇટનો ઉપયોગ ના કરત તો આ જહાજ પકડાયા વગર ભારતીય જળસીમામાંથી પસાર થઈ જવાની શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે દીવ-કોડીનારના રેઢા પાટ દરિયાઈ વિસ્તારમાં સધન પેટ્રોલિંગ થાય તે પણ જરૂરી છે.
ડ્રગ્સનો અસામાન્ય જથ્થો હોવાની સંભાવના પ્રબળ
અગાઉ પોરબંદરના દરિયામાંથી બે વખત મોટાપાયે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. પહેલાં 1પ00 કરોડ અને બાદમાં 600 કરોડની આસપાસનો ડ્રગનો જથ્થો સૌરાષ્ટ્રના સાગરમાંથી મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દરમિયાન દીવ-કોડીનાર વચ્ચેથી ઝડપી લેવાયેલા બે ઈરાની જહાજમાંથી સફેદ શંકાસ્પદ પાવડર મળી આવ્યો છે પણ આ જથ્થો નાનો સુનો નથી. ડ્રગનો સંભવિત જથ્થો અસામાન્ય માત્રામાં હોવાનું મનાઈ રહ્યું છે.
ડૂબી રહેલા ટગનો વીડિયો વાઈરલ
ઇન્ડોનેશિયાથી કુવૈત પહેંચાડવા માટે બે ટગને દોરડા વડે જહાજ સાથે બાંધીને શી-સેલ નામનું જહાજ લઈ જાય છે અને દોરડું તૂટી જતાં ટગ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ પ્રકારનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer