કૉંગ્રેસને બે મહિનામાં મળશે નવા અધ્યક્ષ !

રાહુલે રાજીનામું પરત લેવાનો ઈનકાર કરતા અધ્યક્ષપદની શોધ ઝડપી બની : બે કાર્યકારી અધ્યક્ષનું મોડેલ અપનાવાય તેવા પણ અહેવાલ

નવી દિલ્હી, તા. 8 : રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું પરત લેવાનો ઈનકાર કર્યા બાદ હવે પક્ષના નવા અધ્યક્ષની શોધખોળ ઝડપી બની છે અને કોંગ્રેસના નવા અધ્યક્ષ ગાંધી પરિવારના નહી હોય તેવા સંકેતો પણ મળી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે આગામી બે મહિનામાં પક્ષને નવા અધ્યક્ષ મળી જશે. કોંગ્રેસ દ્વારા ગાંધી પરિવારની મૂક સહમતિ અને વરિષ્ઠ નેતાઓને સ્વિકાર્ય હોય તેવા અધ્યક્ષની શોધ ચલાવવામાં આવી રહી છે. તો બીજી તરફ એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે કોંગ્રેસમાં બે કાર્યકારી અધ્યક્ષના મોડેલને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે. જેમાંથી એક કાર્યકારી અધ્યક્ષ દક્ષિણ ભારતમાંથી પસંદ થવાની શક્યતા છે. 
લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તેની જવાબદારી રાહુલ ગાંધીએ પોતાના માથે લીધી હતી અને કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. કમિટિએ રાજીનામું લેવાનો ઈનકાર કરવા છતા રાહુલ ગાંધી પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યા હતા. બીજી તરફ લોકસભામાં હાર બાદ અલગ અલગ રાજ્યોમાંથી પણ કોંગ્રેસને ઝટકા લાગી રહ્યા છે. ક્યાંક આંતરિક વિખવાદ તો ક્યાંક સાંસદો અને વિધાયકોના પક્ષપલટાએ મુશ્કેલીમાં વધારો કર્યો છે. તેવામાં હવે કોંગ્રેસમાં નવા અધ્યક્ષની શોધને ઝડપી બનાવવામાં આવી છે.
 આ કડીમાં આગામી બે મહિનામાં જ કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે તેવી અટકળો શરૂ થઈ છે.  બીજી તરફ પક્ષના સભ્યો દ્વારા એકથી વધુ કાર્યકારી અધ્યક્ષ બનાવવાના મોડેલને અંતિમ રૂપ આપી રહ્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે નવા ઉત્તરાધિકારી માટે લાંબી ચર્ચા વિચારણા બાદ કોંગ્રેસના બે કાર્યકારી અધ્યક્ષ હોવા જોઈએ તેના ઉપર સહમતિ બની હતી. એક પ્રસ્તાવ એવો પણ છે કે કાર્યકારી અધ્યક્ષ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ. આ સંબંધે અમુક નામ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમા સુશીલ શિંદે અને મલ્લિકાર્જુન ખડગે સામેલ છે. વધુમાં યુવા અધ્યક્ષ તરીકે જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ લેવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer