હું નારી શક્તિનું સન્માન કરું છું ધારાસભ્યે માફી માગી

રાજકોટ મનપાની ક્રિકેટ ટુર્નામેન્ટનો મહિલા સાથે અણછાજતા વર્તન અંગેનો વિવાદ અંતે શમ્યો 

રાજકોટ, તા.8 :  રાજકોટમાં મનપા દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહિલા કોમેન્ટેટર સાથે કથિત રીતે અણછાજતુ વર્તન થયાની ફરિયાદ અંગે ઉઠેલા વિરોધ વંટોળ બાદ આજે આ સમગ્ર ઘટનાક્રમમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂક્યું છે. 
આજે એક ખાનગી ન્યૂઝ ચેનલના લાઈવ કાર્યક્રમના માધ્યમથી ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જાણતા-અજાણતા એ મહિલાની લાગણીને ઠેસ પહોંચી હોય તો જ જાહેરમાં માફી માગી છે તો બીજી તરફ એંકર તૃપ્તીબેન શાહે પોતે ધારાસભ્ય અરવિંદ રૈયાણીને ઓળખતા ન હોવાનું અને તેઓએ પોતાની સામે કોઈ જ ગેરવર્તણૂક કે અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કર્યુ ન હોવાનું જણાવ્યું છે. 
લાઈવ કાર્યક્રમના માધ્યમ થકી ધારાસભ્યએ તૃપ્તીબેનને જણાવ્યું હતું કે, હુ નારી શક્તિના સન્માનમાં માનનારો વ્યક્તિ છું. મે તમારી સાથે કોઈ અપમાનજનક હરકત કરી નથી છતાં જાણતા-અજાણતા મારા કારણે આપની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. દરમિયાન આ અંગે વધુ વિગતો જાણવા ધારાસભ્યનો ફોન પર સંપર્ક સાધતાં ફોન સ્વીચઓફ આવતો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર એંકર તૃપ્તીબેન શાહ આવતીકાલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવા જઈ રહ્યાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer