પાકિસ્તાની અધિકારીની મદદથી ડી-કંપનીએ

ભારતમાં 2000ની નકલી નોટો ઘુસાડી
 
નેપાળમાં દાઉદના મળતિયાની ધરપકડ: કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીની મદદગારીનો પર્દાફાશ
નવીદિલ્હી, તા. 8 : ભારતની બે હજાર રૂપિયાની નકલી ચલણી નોટોની છપાઈ અને તસ્કરીમાં પાકિસ્તાનનાં એક અધિકારીની મોટી ભૂમિકાનો ખુલાસો થયો છે. ઉચ્ચ પદસ્થ સૂત્રોનાં હવાલેથી આવતાં સમાચારો અનુસાર ભારતનાં ભાગેડુ આતંરરાષ્ટ્રીય આતંકવાદી દાઉદ ઈબ્રાહિમનો સાથીદાર કાઠમંડુ સ્થિત પાકિસ્તાની દૂતાવાસનાં એક વરિષ્ઠ અધિકારીનાં સંપર્કમાં હતો અને ત્યાંથી આ આખું કારસ્તાન ચલાવવામાં આવતું હતું.
દાઉદનાં એક મળતિયા યુનુસ અંસારીની તાજેતરમાં જ નેપાળ પોલીસે ધરપકડ કરી હતી. તે કાઠમંડુમાં પાકિસ્તાની દૂતાવાસ સમીપ આવેલા ચક્રપથ ક્ષેત્રમાં એક નાનકડી હોટેલ ચલાવતો હતો. યુનુસ અને તેનો ભાઈ નસીમ પાક. દૂતાવાસમાં બેરોકટોક આવ-જા કરતાં હતાં અને ઉચ્ચ અધિકારીઓનાં સંપર્કમાં પણ રહેતા હતાં. 
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આપેલી બાતમીનાં આધારે કાઠમંડુની પોલીસની એક વિશેષ ટીમે યુનુસ અને તેનાં ત્રણ પાકિસ્તાની સાથીદારોને પકડી લીધા હતાં. કરાચીથી નેપાળ આવેલા યુનુસે પોતાનું મૂળ વતન છૂપાવવા માટે પાસપોર્ટમાં કતારનો સ્ટેમ્પ પણ લગાવી રાખેલો હતો. 
સૂત્રોનાં કહેવા અનુસાર બે હજાર રૂપિયાની ભારતની ચલણી નોટો પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા કરાચીનાં ઉચ્ચરક્ષિત પ્રિન્ટીંગ પ્રેસમાં કરાવતી હતી. જેને ભારતમાં ઘૂસાડવાથી લઈને વહેચવા સુધીનાં કામો ડી-કંપની પાર પાડતી રહી છે. સમુદ્રી માર્ગે મોટાપાયે આ નકલી નોટો બંગલાદેશમાં પહોંચાડવામાં આવે છે. જે ત્યાંથી પશ્ચિમ બંગાળનાં માર્ગે ભારતમાં ઘૂસાડવામાં આવે છે. 
જ્યારે નેપાળમાં પકડાયેલો યુનુસ અંસારી અને નેપાળનાં તરાઈ ક્ષેત્રનો રાજનીતિજ્ઞ બસરુદ્દીન અંસારી ડી-કંપનીનાં સંપર્કમાં રહેતો હતો. તે નેપાળથી ભારતમાં નકલી ચલણ ઘૂસાડવા માટે પોતાનાં સ્થાનો ડી-કંપનીને ઉપલબ્ધ કરાવતો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer