ભાવાંતર યોજના મુદ્દે કાલથી સૌરાષ્ટ્રના યાર્ડમાં કામગીરી ઠપ !

સરકારે ગયા વર્ષે આપેલાં વચનો પૂરાં કરાવવા વેપારી ઍસોસિયેશન ઉગ્ર લડતની રાહ અપનાવશે 

રાજકોટ, તા.8: પાક વીમા સહિતની માગણીઓને લઈને ખેડૂતો દ્વારા શરૂ કરાયેલું આંદોલન વધુ તેજ બની રહ્યું છે. આંદોલનના બીજા દિવસે ખેડૂતોના સમર્થનમાં વિવિધ ખેડૂત સંગઠનોને ટેકો આપ્યા બાદ આજે ત્રીજા દિવસે માર્કેટ યાર્ડના વેપારી એસોસિએશને પણ ટેકો જાહેર કર્યો છે. આ આંદોલનને વધુ ગતિ આપવા અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે તા.10ને સોમવારથી સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટીંગ યાર્ડ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાના હોવાની ચીમકી અપાઇ રહી છે.
સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટીંગ યાર્ડ દ્વારા ગયા વર્ષે ભાવાંતર યોજનાના અમલીકરણ માટે પાંચ દિવસ આંદોલન છેડવામાં આવ્યું હતુ અને પાંચ દિવસ બંધ પાડયું હતુ. તે સમયે મંત્રી આર.સી.ફળદુએ બંધારણ ઘડાયું ન હોવાથી આવતા વર્ષથી ભાવાંતર યોજના શરૂ કરી દેવાશે. એક વર્ષ પુરૂ થઈ ગયા બાદ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઇ પ્રત્યુતર ન અપાતા ખેડૂતો અને યાર્ડના વેપારીઓ ફરી વિફર્યા છે. આ વર્ષે ભાવાંતર યોજના અમલી કરાવવા માટે સૌરાષ્ટ્રના તમામ યાર્ડ તા.10ને સોમવારથી જ બંધ પાળીને તમામ કામગીરી ઠપ કરી દેવાની ચીમકી અપાઇ રહી છે.
સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ મુકેશભાઇ સતાસીયાએ જણાવ્યું હતુ કે, ભાવાંતર યોજનાના અમલીકરણ અને ખેડૂતોના પ્રશ્ને સૌરાષ્ટ્રના તમામ યાર્ડ આગામી બે-ચાર દિવસમાં જ બંધ પાડશે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, ખેડૂતો માટે સીધી ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. આ ઉપરાંત સરકારને પણ જીએસટીની આવક બમણી થઈ જાય તેમ છે. સરકારની ટેકાના ભાવની યોજનાથી ખેડૂતોને ફાયદો નથી થતો એટલો તો ખર્ચો લાગી જાય છે અને ભ્રષ્ટાચાર પણ વધુ થઈ રહ્યો છે. આથી ખેડૂતો અને વેપારીઓના હિત માટે ફરીથી લડત ચલાવવાનો સમય આવી ગયો છે.
આ હડતાલમાં અત્યારે રાજકોટ, મોરબી અને ગોંડલ યાર્ડ દ્વારા પુરૂ સમર્થન આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ સાથે હડતાલ બાબતે ચર્ચા કરીને ટુંક નજીકના દિવસો માંજ યાર્ડ બંધ પાડીને ઉગ્ર લડત શરૂ કરવામાં આવનાર હોવાનું મુકેશભાઇએ અંતમાં જણાવ્યું હતુ.   
 આંદોલનના ત્રીજા દિવસે ઉપવાસ ઉપર રહેલા 12 ખેડૂતો પૈકી કીશોરભાઈ સગપરીયા તથા કીશોરભાઈ લકકડની તબીયત લથડતા દોડધામ થઈ પડી હતી. જેને પગલે તાત્કાલીક 108 એમબ્યુલન્સ આવી ગઈ હતી અને તબીબો દ્વારા ઉપવાસીઓની તબીયત ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કાફલાને પણ તૈનાત કરવામાં આવ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer