સરકારી એસેટ્સના વ્યાપક વેચાણ માટે નીતિઆયોગની યોજના

નવી દિલ્હી, તા. 8 : નીતિઆયોગ સરકારી એસેટ્સના વ્યાપક વેચાણની તૈયારી કરી રહી છે. યોજનાના ભાગરૂપે એનટીપીસી, સિમેન્ટ કૉર્પોરેશન અૉફ ઈન્ડિયા, ભારત અર્થમુવર્સ અને સેઈલની જમીન અને ઔદ્યોગિક પ્લાન્ટસ સહિત 50 એસેટસને વેચાણ માટે અલગ તારવી છે.
નીતિઆયોગે વેચાણમાંથી એસેટ્સનું લિસ્ટ ડિપાર્ટમેન્ટ અૉફ ઈન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક એસેટ મૅનેજમેન્ટ (ડીઆઈપીએએમ)ને મોકલ્યું છે. આથી સરકારી કંપનીઓને વેચાણની પ્રક્રિયા શરૂ કરવામાં મદદ મળશે. નીતિઆયોગના સીઈઓ અમિતાભ કાંતે સંબંધિત મંત્રાલય સાથે ચર્ચા કરી એસેટ્સની યાદી તૈયાર કરી છે. ઉલ્લેખનીય છે કે સરકારે ચાલુ નાણાકીય વર્ષના રૂા. 90,000 કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ સામે પહેલા બે મહિનામાં રૂા. 2350 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. 2018-'19માં રૂા. 80,000 કરોડના ટાર્ગેટ સામે રૂા. 84,972.16 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું.
અગાઉ ડીઆઈપીએએમએ કેટલીક એસેટ્સ અલગ તારવી હતી. આ એસેટસને સ્કૂટર્સ ઈન્ડિયા, ભારત પંપસ ઍન્ડ કોમ્પ્રેસર્સ, પ્રોજેક્ટ ઍન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા, હિંદુસ્તાન પ્રિફેબ, હિંદુસ્તાન ન્યૂઝ પ્રિન્ટ, બ્રિજ ઍન્ડ રૂફ કંપની અને હિંદુસ્તાન ફલોરો કાર્બન્સમાંથી અલગ કરવામાં આવી હતી. હવે આ કંપનીઓ વ્યૂહાત્મક વેચાણ માટે તૈયાર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer