બિશેકમાં મોદી-ખાન દ્વિપક્ષી બેઠક થશે ખરી?

મોદીની બીજી મુદતે સત્તારૂઢ થયા બાદ બીજી વાર ખાને વાટાઘાટની ઈચ્છા લખી જણાવી

નવી દિલ્હી તા.8: કાશ્મીર મુદ્દા સહિત તમામ વણઉકેલ સમસ્યાઓ ઉકેલવાને પોતે ભારત સાથે વાટાઘાટ કરવા ઈચ્છતા હોવાનું પાકના વડા પ્રધાન ઈમરાન ખાને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને લખી જણાવ્યાનું પાકના મીડિયા રીપોર્ટમાં જણાવાયું છે. આવતા સપ્તાહે કિર્ઘિસ્તાનની રાજધાની બિશેક ખાતે એસસીઓની શિખર મંત્રણા વેળા બેઉ નેતાઓ વચ્ચે દ્વિપક્ષી બેઠક થવાની નથી એમ ભારતે સ્પષ્ટ જણાવી દીધા બાદ આ રીપોર્ટ  આવ્યો છે.
વડા પ્રધાનપદની બીજી મુદત માટે પીએમને અભિનંદન આપતાં ખાને જણાવ્યુ હતું કે બેઉ રાષ્ટ્રો વચ્ચે વાટાઘાટ જ, બેઉ દેશવાસીઓને ગરીબીમાંથી પાર ઉતરવામાં મદદરૂપ થતો એકમાત્ર ઉકેલ છે અને પ્રાદેશિક વિકાસ માટે સાથે મળી કામ કરવુ એ મહત્વનું છે. જો કે ભારતે એ રીપોર્ટ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. 
મોદી પીએમપદે પુન: સત્તારૂઢ થયા પછી ઈમરાન ખાને, ભારત-પાકના પ્રજાજનોની સુખાકારી માટે ભારત સાથે કામ કરવાની પોતાની ઈચ્છા બીજી વાર વ્યકત કરી છે.
છેલ્લા થોડા વર્ષથી ભારતે, વાટાઘાટ શરૂ કરતા પહેલાં સીમાપારથી આતંક બંધ થવો જોઈએ તેવા દાવા સાથે વાટાઘાટ માટેની કોઈ પણ પહેલને નકારી છે. સામાન્ય ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય માટે પીએમ મોદીને અભિનંદન આપ્યા બાદ બિશેકમાંની સમિટ વેળા બેઉ વડા પ્રધાનો વચ્ચેની સંભવિત બેઠક વિશે વાતોએ વેગ પકડયો છે. ખાને કરેલ ફોન કોલ અને મુબારકબાદી માટે પીએમ મોદીએ ખાનનો આભાર માન્યો છે. ઉરી અને પુલવામા ખાતેના આતંકી હુમલા બાદ પાક સાથેના સંબંધો હાલકડોલક રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer