કૉંગ્રેસ રાહુલની પડખે

કૉંગ્રેસ રાહુલની પડખે
પક્ષ પ્રમુખપદેથી રાજીનામાની અૉફર સર્વાનુમતે ઠુકરાવી  

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 25 : લોકસભાની ચૂંટણીમાં ધબડકા બાદ કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ કરેલી રાજીનામાની અૉફરને ધારણા મુજબ જ કૉંગ્રેસની નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા કારોબારી સમિતિએ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેને બદલે રાહુલ ગાંધીને પક્ષના આ સર્વોચ્ચ હોદ્દા પર ચાલુ રહેવાનો અનુરોધ કર્યો હતો અને તેમને પક્ષની પુનર્રચના માટે જરૂરી તમામ પગલાં ભરવાની સત્તા આપી હતી.
`કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠક આજે મળી હતી જેમાં તમામ સભ્યોએ પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા અને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો' એમ કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું.
કૉંગ્રેસ કારોબારી સમિતિના ઠરાવને વાંચતી વખતે સૂરજેવાલાએ એવી માહિતી આપી હતી કે રાહુલ ગાંધીની રાજીનામાની અૉફર અંગે પ્રતિસાદ આપતાં સમિતિના સભ્યોએ એક જ અવાજમાં સર્વાનુમતે રાજીનામાની આ અૉફરને ઠુકરાવી દીધી હતી અને તેમને પક્ષની આગેવાની લેવાનું ચાલુ રાખવાની વિનંતી કરી હતી.
કૉંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં જેમ બને તેમ જલદી આત્મમંથન કરવાની અને પક્ષની કાયાપલટ કરવાની અપીલ કરવામાં આવી હતી અને આ બાબતમાં જેમ બને તેમ જલદી કોઈ યોજના લાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં આવેલા જનાદેશને સ્વીકારવાનો અને એક રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. `આ દેખાવ અત્યંત કંગાળ હતો એ બાબતમાં હું તમારી સાથે સંમત થતો નથી. આપણે લોકોની ધારણા પ્રમાણે કામ કરી શકયા નહીં. પક્ષ હવે આત્મમંથન કરશે અને વિગતવાર નિષ્કર્ષ પર પહોંચશું' એમ ભૂતપૂર્વ પ્રધાન એ.કે. એન્ટનીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
`લોકશાહીમાં તો હાર-જીત થતી રહે, પરંતુ તેમણે નેતાગીરી પૂરી પાડી હતી જે લોકોમાં નજરે ચડતી હતી, ભલે ટીવી પર નહોતી દેખાતી. આ આંકડાઓનો પરાજય છે, પરંતુ સિદ્ધાંતોનો નથી' એમ કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજીનામું નહીં આપવાનું રાહુલને જણાવવાનો નિર્ણય મુખ્યત્વે બે કારણોસર લેવાયો હતો. એક તો આવું પગલું વિપક્ષને વધુ દારૂગોળો પૂરો પાડી શકે અને બીજું અન્ય કોઈ નેતા રાહુલે જે રીતે પક્ષની ધૂરા સંભાળી તેમ સંભાળી ન શકે. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધનારા રણદીપ સૂરજેવાલાએ આ સંબંધમાં આવેલા અહેવાલોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે પક્ષપ્રમુખ તરીકે કોઈ બિનગાંધીને આગળ કરવાનું રાહુલે જણાવ્યું હોવાની વાતમાં કોઈ સત્ય નથી. અમે કોઈ નામો પર ચર્ચા કરી નથી, રાહુલે માત્ર રાજીનામું આપવાની અૉફર કરી હતી.
`કારોબારી સમિતિએ સર્વાનુમતે કૉંગ્રેસ પક્ષનું નેતૃત્વ કરવાનો રાહુલ ગાંધીને અનુરોધ કર્યો હતો' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. ઠરાવમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે કારોબારી સમિતિએ પડકારો, નિષ્ફળતાઓ અને ખામીઓને શોધી કાઢી છે જેને કારણે જનાદેશ પક્ષની તરફેણમાં આવ્યો નથી અને આત્મમંથન કરવાની ભલામણ કરી છે.
દેશ સામેની સમસ્યાઓ તરફ ધ્યાન આપવાની જવાબદારી આગામી સરકારની છે. કૉંગ્રેસ એક રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશે એમ ઠરાવમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer