કપોળ બૅન્કની ચૂંટણી ટળી, નવું બોર્ડ બિન-હરીફ ચૂંટાઈ આવ્યું

કપોળ બૅન્કની ચૂંટણી ટળી, નવું બોર્ડ બિન-હરીફ ચૂંટાઈ આવ્યું
બૅન્કના ઇતિહાસમાં પહેલીવાર જ્ઞાતિ બહારના ત્રણ જણ ડિરેકટર બન્યા, 10 જૂનથી નવું બોર્ડ બૅન્કનો કાર્યભાર સંભાળશે, બૅન્કને બેઠી કરવાનો કાચો પ્લાન પણ તૈયાર, શરદભાઈ પારેખ ચૅરમૅન બનશે

બિમલ મહેશ્વરી તરફથી
મુંબઈ, તા. 25 : આર્થિક સંકટમાં ફસાયેલી કપોળ કો-અૉપરેટિવ બૅન્કના બોર્ડમાં 17 જણ બિન-હરીફ ચૂંટાઈ આવ્યા છે અને હવે આ નવું બોર્ડ 10મી જૂને બૅન્કનો અખત્યાર સંભાળશે. નવા બોર્ડમાં બહુમતી ડિરેક્ટરો પ્રોગ્રેસિવ ફોરમના સભ્યો છે.
આધારભૂત સૂત્રોએ કહ્યું હતું કે 9મી જૂને બૅન્કની ચૂંટણી ન થાય એ માટે જ્ઞાતિના વગદાર અને અગ્રણીઓએ ફોર્મ ભરનાર છ જેટલા ઉમેદવારોને ઉમેદવારીપત્રક પાછાં ખેંચી લેવા સફળતાપૂર્વક સમજાવ્યા હતા. આ ઉમેદવારો માની જતાં ચૂંટણી ટળી હતી.
હવે 10મી જૂને બૅન્કની વાર્ષિક સામાન્ય સભા થશે અને એ બાદ બોર્ડની મિટિંગ થશે. એમાં રિઝર્વ બૅન્કના ઍડમિનિસ્ટ્રેટર બોર્ડને બૅન્કનો અખત્યાર સોંપી દેશે.
કપોળ બૅન્ક આર્થિક સંકટમાં હોવાથી 20 જૂન, 2014ના રિઝર્વ બૅન્કે બોર્ડને બરખાસ્ત કરી ઍડમિનિસ્ટ્રેટરની નિયુક્તિ કરી હતી તથા બૅન્ક પર અમુક નિયંત્રણ પણ મૂકી દીધાં હતાં. રિઝર્વ બૅન્કના ઍડમિનિસ્ટ્રેટરની પાંચ વર્ષની મુદત પૂરી થતી હોવાથી હવે બૅન્કનો અખત્યાર નવું બોર્ડ સંભાળશે. ચૂંટણી ટળી હોવાથી બૅન્કના માથે આવનારો આશરે વીસેક લાખનો ખર્ચ પણ ટળ્યો છે.
સૂત્રોએ કહ્યું હતું કપોળ બૅન્કનાં આશરે 80 વર્ષના ઇતિહાસમાં આ વખતે પહેલીવાર કપોળ જ્ઞાતિની બહારની ત્રણ વ્યક્તિ બોર્ડમાં આવી છે. આમાં અનુસૂચિત પછાત જાતિના ઉમેદવાર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર તથા જનરલ કેટેગરીના એક ઉમેદવારનો સમાવેશ છે.
સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે બૅન્કના ચૅરમૅન શરદભાઈ પારેખ બને એ પાકું છે. તેમણે અને તેમની ટીમે બૅન્કના રિવાઇવલનો પ્લાન પણ બનાવ્યો છે અને બૅન્ક ફરીથી પહેલાની જેમ ધમધમતી થાય એવી બધાની ઇચ્છા છે. બોર્ડમાં બૅન્ક ડિપૉઝિટરો માટે લડતી સંસ્થાના ધવલ મહેતા અને યતિન મહેતાનો પણ સમાવેશ છે. નવું બોર્ડ બૅન્કને આર્થિક સંકટમાંથી કેમ બહાર લાવશે એવા સવાલના જવાબમાં સૂત્રોએ કહ્યું હતું કે નવું બોર્ડ લોન રિકવરીના કામને પ્રાધાન્ય આપશે. એ ઉપરાંત જે લોકોની ડિપૉઝિટ બૅન્કમાં પડી છે એમને 30-35 ટકા ડિપૉઝિટ શૅરમાં કન્વર્ટ કરવાની વિનંતી કરાશે. એ ઉપરાંત લોન ડિફોલ્ટરોની સિક્યોરિટીને એનકૅશ કરવાનો પ્રયાસ કરાશે.
સૂત્રોએ કહ્યું હતું કે જૂન 2014માં રિઝર્વ બૅન્કના ઍડમિનિસ્ટ્રેટરે બૅન્કનો ચાર્જ સંભાળ્યો ત્યારે બૅન્કની ખોટ 30 કરોડની આસપાસ અંદર હતી, પણ પાંચ વર્ષમાં ઍડમિનિસ્ટ્રેટરે લોનવસૂલી કરવાનાં કોઈ પગલાં ન લેતાં આ ખોટ સવાસો કરોડની આસપાસ પહોંચી ગઈ છે. એટલે બૅન્કને બેઠી કરવાનું કામ નવા બોર્ડ માટે એકદમ કપરું રહેશે.
અન્ય એક સૂત્રએ કહ્યું હતું કે નવા બોર્ડના લગભગ બધા જ ડિરેક્ટરો આર્થિક રીતે એકદમ ખમતીધર છે અને તેઓ દર મહિને અમુક રકમ બૅન્કમાં જમા કરાવે એવી પણ શક્યતા છે. અત્યારે આ ડિરેક્ટરો મહિને પાંચ-પાંચ લાખ ડિપૉઝિટ કરશે એવું કહેવાય છે.
સૂત્રોએ કહ્યું હતું બૅન્કની ચૂંટણી ન થાય એ માટે પડદા પાછળ સમાજના અમુક અગ્રણીઓ છેલ્લા અમુક દિવસથી રાત-દિવસ ભારે પ્રયત્ન કરતા હતા. આમાં દિનેશ મહેતા (ફામના અધ્યક્ષ), વિજય પારેખ, અતુલ પારેખ, મહેશ સંઘવી અને ભાવેશ કોઠારીનો સમાવેશ છે.
17 સભ્યોનું નવું બોર્ડ જનરલ કેટેગરી
શરદ વ્રજલાલ પારેખ, અવિનાશ બી. પારેખ, યતિન નટવરલાલ પારેખ, યોગેશ બાબુલાલ મહેતા, અનિલ શાંતિલાલ પારેખ, અશ્વિન પ્રભુદાસ વોરા, ધર્મેશ લક્ષ્મીકાંત રાણા, ધવલ મનસુખલાલ મહેતા, હિમાંશુ રમણીકલાલ મહેતા, હિતેન્દ્ર ભૂપતરાય મહેતા, કીર્તિ ડાહ્યાલાલ શાહ, પરેશ મોહનલાલ પારેખ
મહિલા કેટેગરી
મીના અશોક કણકિયા, મીના ભરતકુમાર ભુતા
આર્થિક રીતે પછાત કેટેગરી
ભીમરાવ નાયક
શેડયુલ્ડ કાસ્ટ કેટેગરી, સંદેશ સાવંત
બૅન્કના મુખ્યાલયથી 25 કિ.મિ. દૂરની કેટેગરી વિજય વિઠ્ઠલદાસ ગાંધી નવું બોર્ડ કેટલું ટકશે એનો આધાર રિકવરી પર બૅન્કનું નવું બોર્ડ ચાર્જ સંભાળશે ત્યારે એને લોનની રિકવરી વિશે રિઝર્વ બૅન્કની અમુક સૂચનાઓનું પાલન કરવાનું પણ કહેશે.
સૂત્રોએ કહ્યું હતું કે રિઝર્વ બૅન્ક શરૂઆતમાં નવા બોર્ડને છ-છ મહિનાની બે વખત મુદત આપશે અને બોર્ડના પરફોર્મન્સને જોઈને મુદત વધારશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer