વરાછા બૅન્ક અને પીપી સવાણી ગ્રુપે આર્થિક મદદની જાહેરાત કરી

વરાછા બૅન્ક અને પીપી સવાણી ગ્રુપે આર્થિક મદદની જાહેરાત કરી
મૃતકોના પરિવારો માટે સાંત્વના અને સહાયનો ધોધ  

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 25 : શહેરના સરથાણાસ્થિત તક્ષશિલા આર્કેડમાં થયેલા અગ્નિકાંડ બાદ મૃતકોના પરિવાર પર આભ તૂટી પડયું છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવાર માટે ગઈકાલે જ રૂા. 4-4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. આજે શહેરભરના લોકોએ મૃતકોના પરિવારો માટે સાંત્વનાનો ધોધ વહાવ્યો હતો સાથે આર્થિક સહાયનો ધોધ પણ વરસાવવાનો શરૂ કર્યો હતો. 
રાજ્યની સહકારી બૅન્કોમાં અગ્રણી એવી વરાછા કો-અૉપરેટિવ બૅન્કે મૃતક બાળકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. વરાછા બૅન્કના ચૅરમૅન કાનજીભાઈ ભાલાળા, સ્થાપક ચૅરમૅન પી. બી. ઢાંકેચાની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી. બેઠકમાં બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે મૃતક બાળકોના પરિવારને રૂા. પ0-50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
ગઈકાલે થયેલા અગ્નિકાંડમાં ઈજાગ્રસ્તોને પીપી સવાણી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. પીપી સવાણી ગ્રુપે ઈજાગ્રસ્તોને નિ:શુલ્ક સારવારની જાહેરાત કરી હતી. આ સાથે પીપી સવાણી ગ્રુપે આજે મૃતકોના પરિવારોને રૂા. એક-એક લાખની સહાયની જાહેરાત કરી હતી. 
આજે સમગ્ર દિવસ દરમિયાન શહેરભરમાં મૃતકો માટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સુરત ડાયમંડ ઍસોસિયેશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગકારો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેડ રોડસ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ, પોઈચા નીલકંઠ ધામ, મુંબઈ તેમ જ રાજકોટના 80 જેટલા સંતો દ્વારા પ્રાર્થના સભા યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 
મૃતક બાળકોના અંતિમસંસ્કારમાં મોટી સંખ્યામાં રાજકીય હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કૉંગ્રેસના પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ પરિવારને રૂબરૂ મળી સાંત્વના આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer