વિજય માલ્યાને યુ.કે. હાઇકોર્ટનો આંચકો

વિજય માલ્યાને યુ.કે. હાઇકોર્ટનો આંચકો
ડિઆજિયોને રૂ.945 કરોડ ચૂકવવા આદેશ

લંડન, તા. 25 : શરાબ કારોબારી વિજય માલ્યાને વધુ એક ઝટકો લાગ્યો છે. યુકે હાઈકોર્ટે ડિઆજિયો કંપનીને 13.5 કરોડ ડોલર (આશરે 945 કરોડ રૂપિયા) ચૂકવવાનો માલ્યાને આદેશ આપ્યો હતો. ડિઆજિયો કંપનીએ 63 વર્ષીય કારોબારી માલ્યા પર 17.5 કરોડ ડોલરનો દાવો કર્યો હતો.
માલ્યાના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે કંપનીથી સોદો કરવા સમયે ડિઆજિયોએ મૌખિક રીતે જણાવ્યું હતું કે તે આટલો જલ્દી કોઈ દાવો કરશે નહીં. કોર્ટે માલ્યાની વાતને ફગાવી દેતાં કહ્યું કે, વ્યાજ સહિત ડિઆજિયોને રૂપિયા પરત આપવા પડશે. ડિઆજિયો યુકેની એક પેય કંપની છે.
ડિઆજિયોના પ્રવક્તા ડોમિનિક રેડફર્ને કહ્યું કે અમને આનંદ છે કે અમારી જીત થઈ છે. હકીકતમાં મામલો માલ્યાની બે કંપનીના અધિગ્રહણને સાંકળતો છે. ડિઆજિયોએ માલ્યાની કંપનીઓની હિસ્સેદારી ખરીદવા માટે રકમ ચૂકવી હતી પરંતુ તેમને શેરમાં હિસ્સેદારી સુદ્ધાં આપવામાં આવી ન હતી. આ બાબતને કારણે તેમને મોટું નુકસાન પણ પહોંચ્યું હતું. કંપનીએ માલ્યાને ચાર કરોડ ડોલર ચૂકવ્યા પણ હતા. આ સંબધમાં પણ હજુ કેસ ચાલી રહ્યા છે. વિજય માલ્યાની આ બંને કંપની તેમનો પુત્ર સિદ્ધાર્થ ચલાવે છે. ત્રણ વર્ષ પહેલાં તેમના અને ડિઆજિયો વચ્ચે સોદો થયો હતો.
રેડફર્ને કહ્યું હતું કે અમે ઈચ્છી રહ્યા છીએ કે વિજય માલ્યા 17.5 કરોડ ડોલરની ચૂકવણી કરી આપે. આ પૈસા વિજય માલ્યાની કંપનીઓએ ઠગ્યા છે. અમે એ બાબતે પ્રતિબદ્ધ છીએ કે ચૂકવવામાં આવેલી તમામ રકમ વ્યાજ સહિત પાછી મેળવવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer