પરાંમાં ચાલતા ગુજરાતી ભાષાના વર્ગોની સિલ્વર જ્યુબલી

પરાંમાં ચાલતા ગુજરાતી ભાષાના વર્ગોની સિલ્વર જ્યુબલી
`સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ' દ્વારા વૅકેશનમાં અંગ્રેજી માધ્યમના બાળકોને માતૃભાષાનું જ્ઞાન અપાય છે

રચના જોષી તરફથી
મુંબઈ, તા. 25 : અંગ્રેજી માધ્યમની હોડમાં આજની યુવા પેઢી અને બાળકો પોતાની માતૃભાષાથી દૂર થઈ રહ્યાં છે. અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં અને ઘરમાં પણ અંગ્રેજી બોલવાના ટ્રેન્ડને લીધે લોકો માતૃભાષાથી વિખુટા પડી રહ્યાં છે. માતૃભાષાથી આજના બાળકો સાવ વિખુટા ન પડી જાય તે માટે `સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ' છેલ્લા 25 વર્ષોથી બીડું ઝડપ્યું છે. પરાંના દહિસર, બોરીલવી, કાંદિવલી, વિલેપાર્લા, સાંતાક્રુઝ અને ઘાટકોપરમાં છેલ્લા 25 વર્ષથી સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ દ્રારા ઊનાળાનાં વૅકેશનમાં એક મહિનો ગુજરાતી ભાષા લખતા વાંચતા શીખવવાના નિ:શુલ્ક વર્ગો ચાલે છે. 
દહિસરની સાંદિપની નર્સરી સ્કૂલ, બોરિવલીમાં પઈ નગર અને સાંઈબાબા મંદિર, કાંદિવલીમાં ટી.પી ભાટિયા કૉલેજ, કપોળ વિદ્યાનિધિ સ્કૂલ, સી.યુ. શાહ હાઈસ્કુલ, અગ્રવાલ રેસિડન્સી, બાળાશ્રમ, મલાડમાં એમ.ડી શાહ મહિલા કૉલેજ, વિલેપાર્લામાં રાષ્ટ્રીય સ્કૂલ, સાંતાક્રુઝમાં સુશિલા બાગમાં અને ઘાટકોપરમાં વી.સી.ગુરૂકુલ હાઈસ્કુલમાં સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા માતૃભાષા શિખવવાના નિ:શુલ્ક વર્ગો ચાલે છે. છેલ્લા 25 વર્ષથી દર વર્ષે મે મહિનામાં ઉપરોક્ત સેન્ટરોમાં બાળકોને ગુજરાતી બારખડીથી લઈને વ્યાકરણ, સુભાષિતો, વાર્તા, કવિતા, ગુજરાતી લખતા અને વાંચતા શીખવાડવામાં આવે છે. બાળકોને ગીત અને નાટક દ્વારા ગમ્મત સાથે માતૃભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. 12 સેન્ટરમાં લગભગ 225 થી 250 બાળકોને 15 સેવાભાવી શિક્ષકો ગુજરાતી ભાષા શિખવે છે. 
બાળાશ્રમનાં સેન્ટરમાં 11 વર્ષીય ક્રિશા સલોટ સતત ચાર વર્ષથી માતૃભાષાના વર્ગમાં આવે છે. `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, મારા મમ્મી દરરોજ સવારે ન્યુઝપેપર વાંચતા એ જોઈને મને પણ ઉત્સુકતા થઈ કે આ ભાષા મારે શીખવી છે. પછી મારા મમ્મીએ મને સપોર્ટ કર્યો અને ગુજરાતી ભાષાના વર્ગમાં મોકલી. વૅકેશન દરમિયાન ક્લાસમાં શીખ્યા પછી રોજીંદા જીવનમાં ન્યુઝપેપર વાંચવુ, વાર્તા વાંચવી વગેરે ઍક્ટિવિટિઝને કારણે હું ગુજરાતી ભાષાના ટચમાં રહું છું. નવમાં ધોરણમાં ભણતી આયુષી હમીરાણીએ ગુજરાતી ભાષા શીખવા માટે વૅકેશનમાં ફરવા જવાના પ્લાન એડજસ્ટ કર્યા હતા, તો કોઈકે ક્લાસિસના શેડયુલ એડજસ્ટ કર્યા હતા. 
બાળકોને માતૃભાષા શીખવાડવામાં તેમના પેરેન્ટસનો પણ એટલો જ ફાળો છે. જો માતા-પિતા માતૃભાષાનું મહત્વ ન સમજે અને બાળકોને પ્રોત્સાહન ન આપે તો કદાચ તેઓ ગુજરાતીનું મહત્વ નહીં સમજી શકે, તેવું બાળાશ્રમમાં બાળકોને ભણાવતા શિક્ષિકા નયનાબેન મહેતાએ કહ્યું હતું. 
સાંઈ સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અનંત મહેતા, વસંત શાહ, નિરંજન શેઠના પ્રયત્નો, દાતાઓની ભેટ, પેરેન્ટસનો સહકાર, શિક્ષકોની સેવા અને બાળકોના ઉત્સાહથી છેલ્લા 25 વર્ષથી `માતૃભાષા અભિયાન' ચાલી રહ્યં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer